વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી હતી કે, વોશિંગ્ટન સ્થિત જોન એફ. કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ, ફિફા વર્લ્ડ કપ 2026 ડ્રો નું યજમાન બનશે.
ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 2026 ફિફા વર્લ્ડ કપ ડ્રો આ વર્ષે 5 ડિસેમ્બરે કેનેડી સેન્ટર ખાતે યોજાશે. આ પ્રસંગે ફિફા પ્રમુખ જીયાની ઇન્ફેન્ટિનો પણ હાજર હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં કેનેડી સેન્ટરના 257 મિલિયન ડોલરના નવીનીકરણનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ સેન્ટર આવતા વર્ષે અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહેશે.
ફિફા વર્લ્ડ કપ 2026 સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાશે. આ પહેલો વર્લ્ડ કપ હશે જેમાં 48 ટીમો ભાગ લેશે અને કુલ 104 મેચ રમાશે.
કેનેડામાં 13 મેચ રમાશે, જેમાંથી 10 મેચ ગ્રુપ સ્ટેજમાં હશે અને આ મેચ ટોરેન્ટો અને વેનકુવર વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. મેક્સિકો 13 મેચનું આયોજન પણ કરશે, જેમાંથી 10 ગ્રુપ સ્ટેજ મેચ મેક્સિકો સિટી, ગુઆડાલજારા અને મોન્ટેરીમાં યોજાશે. બાકીની મેચો અમેરિકાના 11 શહેરોમાં યોજાશે.
ફિફાએ, આ ભવ્ય કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠને અમેરિકામાં મિયામી અને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરમાં તેની ફિલ્ડ ઓફિસો સ્થાપી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ