નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે, ખૂબ જ ટૂંકા સમયમાં ભારતે અવકાશ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને હવે નવા રેકોર્ડ બનાવવા એ ભારતીય વૈજ્ઞાનિકોનો સ્વભાવ બની ગયો છે. રાષ્ટ્રીય અવકાશ દિવસ પર એક વિડિઓ સંદેશમાં, તેમણે અવકાશયાત્રીઓના પૂલ સહિત અવકાશ કાર્યક્રમ સાથે સંબંધિત ઘણી ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપી.
તેમણે કહ્યું કે, એક સમયે ભવિષ્યનું અવકાશ ક્ષેત્ર અનેક પ્રતિબંધોમાં બંધાયેલું હતું. અમે આ બેડીઓ ખોલવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે રાષ્ટ્રીય અવકાશ દિવસ પર દેશના યુવા વૈજ્ઞાનિકો અને અવકાશ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને અભિનંદન આપ્યા. તેમણે આ વર્ષના અવકાશ દિવસની થીમ, આર્યભટ્ટ સે ગગનયાન તક ને ભવિષ્ય માટે આત્મવિશ્વાસ અને સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે, આ દિવસ હવે યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે અને ભારત માટે ગર્વની ક્ષણ છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે, બે વર્ષ પહેલા ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. ઉપરાંત શુભાંશુ શુક્લાએ, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ત્રિરંગો ફરકાવીને દરેક ભારતીયને ગૌરવથી ભરી દીધો. પ્રધાનમંત્રીએ, તેને એક અવિસ્મરણીય ક્ષણ ગણાવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત આજે અવકાશ ક્ષેત્રમાં પરિવર્તનશીલ તકનીકો પર કામ કરી રહ્યું છે. આમાં સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નજીકના ભવિષ્યમાં ભારતનું ગગનયાન મિશન ઉડાન ભરશે અને દેશનું પોતાનું અવકાશ મથક પણ સ્થાપિત થશે.
પ્રધાનમંત્રીએ, પોતાના સંબોધનમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં 60 થી વધુ દેશોના 300 યુવાનોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ અવકાશ ક્ષેત્રમાં ભારતની વધતી શક્તિનું પ્રતીક છે. ખાનગી ક્ષેત્રની ભાગીદારીની ચર્ચા કરતા તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં પ્રથમ ખાનગી સંચાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. ઉપરાંત, પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નક્ષત્ર માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ