પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): પાટણના માખણિયા પરા વિસ્તારમાં ગતરાત્રે વરસાદ બાદ તળાવનો પાળો તૂટી જતાં ખેતરોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ફરી વળ્યાં હતાં. પરિણામે પાક બળી જતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
સ્થાનિક ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે, તળાવમાં વારંવાર ગટરના પાણીનો પ્રવેશ થતા ખેતરો જળબંબાકાર થઈ જાય છે. 15 દિવસ પહેલાં પણ પાળો તૂટતાં પાક બગડ્યો હતો. ત્યારબાદ ખેડૂતો ફરી વાવણી કરેલી, પરંતુ હાલની ઘટના બાદ બીજીવાર પાક નષ્ટ થતાં ભારે આર્થિક નુકસાન પડ્યું છે.
કોર્પોરેટર ભરત ભાટિયાના જણાવ્યા મુજબ, નગરપાલિકાના અયોગ્ય આયોજન અને વહીવટી નિષ્ક્રિયતાને કારણે ખેડૂતો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સમસ્યા ઉકેલવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ