ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઘેડ પંથકમાં 108 બોટ એમ્બ્યુલન્સ સેવા ફાળવવા રજુઆત કરાઈ
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાને જોડતા ઘેડ પંથકનો આકાર રકાબી જેવો છે અને ચોમાસા દરમિયાન અહીંયા ત્રણથી ચાર મહિના સુધી વરસાદી પાણીને લીધે લોકોને મુશ્કેલી પડે છે ખાસ કરીને પૂરની પરિસ્થિતિમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ પણ મળી શકતી નથી
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઘેડ પંથકમાં 108 બોટ એમ્બ્યુલન્સ સેવા ફાળવવા રજુઆત કરાઈ


પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાને જોડતા ઘેડ પંથકનો આકાર રકાબી જેવો છે અને ચોમાસા દરમિયાન અહીંયા ત્રણથી ચાર મહિના સુધી વરસાદી પાણીને લીધે લોકોને મુશ્કેલી પડે છે ખાસ કરીને પૂરની પરિસ્થિતિમાં આરોગ્ય લક્ષી સુવિધાઓ પણ મળી શકતી નથી તેથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 108 બોટ એમ્બ્યુલન્સ સેવા ફાળવવા રાજ્ય સરકારને માંગ કરવામાં આવી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની રાજ્ય શાખાના ડિઝાસ્ટર કમિટીના ચેરમેન અને પોરબંદર રેડક્રોશ તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ રાજ્ય સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર માધવપુર નજીકનો અને કુતિયાણા સુધીનો અંદરનો ઘેડ પંથક ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાં અને ઉપરવાસથી છોડવામાં આવતા ડેમના પાણીને લીધે જળબંબાકાર થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આરોગ્યની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે આ વિસ્તારમાં બોટ એમ્બ્યુલન્સ સેવા 108 ફાળવવી જરૂરી બની છે. ચોમાસા દરમિયાન ચારેક મહિના સુધી આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે જેમાં પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે હાલત વધુ વિકટ બને છે.

ખાસ કરીને આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન બીમાર દર્દીઓ, સગર્ભાસ્ત્રીઓ, સહિત અકસ્માત અને અન્ય બનાવ વખતે આરોગ્ય સુવિધાઓ સમયસર મળી શકતી નથી. કારણ કે રસ્તાઓ વરસાદી પાણીને લીધે ભરચક હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોય છે તેથી ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થઈ શકતી નથી અને તેના કારણે ખરા સમયે મદદ મળી શકતી નથી ઘણી વખત એનડીઆરએફ ની ટીમ અને રેસ્ક્યુ ટીમોને બોલાવીને મદદ પહોંચાડવામાં આવી તેવા બનાવ અનેક બન્યા હોય છે. માટે આ વિસ્તારમાં ચોમાસામાં પૂરતા પ્રમાણમાં આરોગ્ય સુવિધા મળી રહે તે માટે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવે તો લુશાળા, એરડા, મિત્રાળા, ભડ ઘેડ, ઘેડ બગસરા, કડછ, મોચા, દેરોદર, ગરેજ સહિતના ઘેડના અને કુતિયાણા વિસ્તારના આંતરિક ગામડાઓમાં લોકોને સમયસર આરોગ્યની સુવિધા મળી શકે છે તે માટે યોગ્ય કરવા રામદેવભાઈ મોઢવાડિયા એ માંગી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande