વડોદરા, 23 ઓગસ્ટ (હિ.સ.)-તિરુવનંતપુરમ એક્સપ્રેસમાં મુસાફરી કરતી બે મહિલાઓના ગળામાંથી બારીમાંથી હાથ નાખીને મંગળસૂત્ર અને ચાંદીની ચેન ચોરી જવાની ઘટના સામે આવી છે. બંને બનાવ વડોદરા રેલવે સ્ટેશનની આસપાસ નોંધાયા છે.
પ્રથમ બનાવ 18મી તારીખે બન્યો હતો, જ્યારે રાજસ્થાનના દૌસા જિલ્લાના રસાલીદેવી રામકેશભાઈ મીના પોતાના પતિ સાથે કોટાથી પનવેલ જવા તિરુવનંતપુરમ એક્સપ્રેસમાં બેઠા હતા. રાત્રે સાડા બાર વાગ્યે વડોદરા રેલવે યાર્ડ પાસે ટ્રેન ધીમી પડતાં અજાણ્યા ચોરે બારીમાંથી હાથ નાખી તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચાંદીની ચેન તોડી લીધી અને ભાગી ગયો.
બીજો બનાવ 19મી તારીખે રાત્રે નોંધાયો. મધ્યપ્રદેશના ઉજ્જૈન રહેવાસી શોભાબેન યોગેશસિંહ ઠાકુર, જે હાલમાં પુણામાં રહે છે, ઈન્દોરથી પુણાની મુસાફરી માટે તિરુવનંતપુરમ એક્સપ્રેસમાં બેઠા હતા. 20મીની સવારે પાંચ વાગ્યે ટ્રેન વડોદરા રેલવે આઉટર સિગ્નલ પર ઉભી હતી ત્યારે ચોરે બારીમાંથી હાથ નાખીને તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચી લીધું.
બંને બનાવોની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે