અમદાવાદ, 24 ઓગસ્ટ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 25 અને 26 ઓગસ્ટ ગુજરાતના પ્રવાસે છે, તેમજ અમદાવાદમાં જાહેર સભા અને રોડ શો કરશે. જે અંતર્ગત માહિતી વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
જેમાં વાહનવ્યવહાર પ્રતિબંધિત તથા ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું અંગે જણાવ્યું હતું કે, હું, જી.એસ.મલિક,IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) ની સત્તા અન્વયે આગામી તા.૨૫-૨૬/૮/૨૦૨૫ ના રોજ ભારત દેશના માનનીય વડાપ્રધાનશ્રીના અમદાવાદ શહેર ખાતેની મુલાકાતે પધારનાર હોય, જે દરમિયાન તા.૨૫/૮/૨૦૨૫ ના રોજ ‘ખોડલધામ મેદાન,નિકોલ,અમદાવાદ શહેર' ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવનાર હોય, જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
હુકમ :-
અમદાવાદ શહેરમાં આગામી તા.૨૫/૮/૨૦૨૫ ના રોજ ભારત દેશના માનનીય વડાપ્રધાન નાઓની ઉપસ્થિતિમાં 'ખોડલધામ મેદાન,નિકોલ' ખાતે એક જાહેરસભાનો કાર્યક્રમ થનાર હોય જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ-
૧. એમ.એસ.સ્કુલ ચાર રસ્તા થઇ રાજચંદ્ર સોસાયટી ચાર રસ્તા થી મેન્ગો સિનેમા ચાર રસ્તા થઇ, દેવસ્ય સ્ટેટસ ફલેટ ત્રણ રસ્તા થી ડાબી બાજુ વળી રિંગરોડ ભક્તિ સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
૨. રિંગરોડ ભક્તિ સર્કલ થી દેવસ્ય સ્ટેટસ ફલેટ ત્રણ રસ્તા થઇ રસપાન ચાર રસ્તા થઇ ડી-માર્ટ ચાર રસ્તા થઇ હરીદર્શન ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
૩. ઓમકાર પ્લાઝા ચાર રસ્તા થઇ ગજાનંદ હાઇટસ થઇ શાયોના એન્કલેવ ચાર રસ્તા થઇ ખોડલફાર્મ ચાર રસ્તા થઇ દેવસ્ય સ્કુલ ચાર રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત-
૧. એમ.એસ.સ્કુલ ચાર રસ્તા થઇ વિઠ્ઠલપ્લાઝા ત્રણ રસ્તા થઇ, દેહગામ રિગરોડ સર્કલ થઈ દાસ્તાન સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે
૨. દાસ્તાન સર્કલ થઇ ભક્તિ સર્કલ થઇ નિકોલ કઠવાડા ચાર રસ્તા થઇ અમર જવાન સર્કલ થઇ રામરાજ્ય ચોક થઇ ગંગોત્રી સર્કલ થઈ શુકન ચાર રસ્તા સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે
અપવાદ: સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો,ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઈ હેઠળ, મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨૫/૮/૨૦૨૫ ના કલાક ૧૪.૦૦ થી ૨૨.૦૦ સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી, પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ