- દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન
- ગૃહમંત્રીએ વિઠ્ઠલભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું
- વિપક્ષને અર્થપૂર્ણ ચર્ચા અને લોકશાહીની ગરિમા જાળવવા અપીલ
નવી દિલ્હી, 24 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, રવિવારે દિલ્હી વિધાનસભામાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગૃહ લોકશાહીનું એન્જિન છે, તેથી સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાની વિપક્ષની વૃત્તિ ચિંતાજનક છે.
શાહે કહ્યું કે, લોકશાહી વ્યવસ્થામાં શાસક અને વિપક્ષ બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ છે, પરંતુ ગૃહને ઘણા દિવસો સુધી કામ ન કરવા દેવું એ લોકશાહીની ભાવના વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, ગૃહ લોકોની આકાંક્ષાઓનું પ્રતીક છે અને માત્ર અર્થપૂર્ણ ચર્ચા જ જન કલ્યાણકારી કાયદાઓ તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે, વિધાનસભા અને સંસદ માત્ર ચર્ચા માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ શાણપણ અને વિચારનો સંગમ છે. ગૃહની કાર્યવાહીમાં, શાસક અને વિપક્ષ બંનેએ સાથે મળીને લોકોનો અવાજ બનવું જોઈએ. શાહે ઉપસ્થિત તમામ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર્સને ગૃહની ગરિમા જાળવવા અને ચર્ચાને અર્થપૂર્ણ અને પરિણામલક્ષી બનાવવાનો પ્રયાસ કરવા હાકલ કરી.
ગૃહમંત્રીએ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય સેન્ટ્રલ એસેમ્બલી સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના યોગદાનને પણ વિગતવાર યાદ કર્યું. તેમણે કહ્યું કે, પટેલે વિધાનસભા સ્પીકર પદની ગરિમાને નવી ઊંચાઈએ પહોંચાડી અને એવી ઘણી પરંપરાઓ સ્થાપિત કરી જે હજુ પણ લોકશાહી સંસ્થાઓનો પાયો છે. શાહે સૂચન કર્યું કે વિઠ્ઠલભાઈ પટેલના ભાષણો અને યોગદાનનો સંગ્રહ દેશભરની વિધાનસભાઓની પુસ્તકાલયોમાં ઉપલબ્ધ કરાવવો જોઈએ, જેથી જનપ્રતિનિધિઓની નવી પેઢી તેમનામાંથી પ્રેરણા લઈ શકે.
ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતની લોકશાહી ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી છે. હસ્તિનાપુરની વિધાનસભાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી ભારતમાં જનમતને મહત્વ આપવાની પરંપરા રહી છે. તેમણે કહ્યું કે, સ્પીકર માત્ર ગૃહના રક્ષક જ નહીં, પરંતુ એક સેવક પણ છે અને તેમના વિવેકપૂર્ણ નિર્ણયો લોકશાહીને મજબૂત બનાવે છે.
આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા અને લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના સહિત દેશભરની વિધાનસભાઓ અને વિધાનસભા પરિષદોના અધ્યક્ષો અને ઉપાધ્યક્ષો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈ પટેલના જીવન પર આધારિત પ્રદર્શન પણ જોવા મળ્યું હતું.
અંતમાં અમિત શાહે, તમામ ધારાસભ્યો અને સાંસદોને વિધાનસભા અને સંસદના પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી અને કહ્યું કે, લોકશાહી ફક્ત અભ્યાસ અને ચર્ચા દ્વારા જ મજબૂત થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ