પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર તીર્થ ખાતે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, જેમાં શ્રી જહાજ મંદિર એન્કરવાલા ધામે પૂજ્ય મુનિશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબની પાવન નિશ્રામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચાતુર્માસના આ ઉત્તમ અવસરે, શ્રાવક-શ્રાવિકાઓ તપ અને ત્યાગ દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે.
આંગીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જેમાં કેશર, ચંદન, ઝરી, વાદળી મોતી અને મલમલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોના-ચાંદીના વરખ અને વિવિધ ફૂલોથી આંગી સજાવવામાં આવી છે.
પ્રભુ દર્શન, જાપ, ધ્યાન અને વ્યાખ્યાન જેવા આરાધનાઓમાં ભાવિકો સવારથી જોડાઈ રહ્યા છે. તપ અને પ્રતિક્રમણ જેવી ધાર્મિક વિધિઓ પણ આ તિથિ પર કરવામાં આવી રહી છે. આ ભવ્ય આંગીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ