પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર શહેરમાં ભારે વરસાદને કારણે મસાલી રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખોડલનગર સહિતની 15થી વધુ સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ધારાસભ્યના નિવાસ સ્થાન નજીક પણ પાણી ભરાયા હોવાથી પરિસ્થિતિ ગંભીર બની છે.
ખાસ કરીને મસાલી રોડ પર આ સમસ્યા છેલ્લા 15 વર્ષથી યથાવત છે. નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆત છતાં કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી. પરિણામે, રહેવાસીઓ પોતાના ખર્ચે પાણી કાઢવા માટે મશીનો મૂકવા મજબૂર બન્યા છે.
સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, વિકાસના વાયદા માત્ર કાગળ પર જ રહ્યા છે. વરસાદી પાણીથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ