પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર તીર્થના શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર અને જીયા ભવન ખાતે પર્યુષણ મહાપર્વની આરાધના દરમિયાન ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો વિશેષ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ મુનિરાજ વિજયજી મહારાજ આદિ ઠાણાની પાવન નિશ્રામાં સંપન્ન થયો હતો.
મુનિરાજ ચારિત્રરત્નવિજય મહારાજે જન્મ વાંચન કર્યું. જેમાં માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું. આ સ્વપ્નોમાં ગજવર, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, ધની, પૂર્ણકળશ, પદ્મસરોવર, સમાકર, દેવવિમાન, રત્નનો ઢગલો અને ધુમાડા વગરની અગ્નિશિખાનો સમાવેશ થાય છે.
થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘ સહિત અનેક સંઘોના ભક્તોએ દરેક સ્વપ્નની ઉછામણીમાં ભાગ લીધો. ભક્તોએ સોનાની અને ફૂલોની માળાથી સ્વપ્નોના પ્રતીકોને સજાવ્યા અને મસ્તક પર ધારણ કરીને વધામણા કર્યા.
જૈનાચાર્ય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શનથી વિદેશી નાગરિકોએ પણ ઓનલાઈન માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લીધો. જિનાલયોમાં પ્રભુજીની વિશેષ આંગી કરવામાં આવી, ભક્તિ સંગીત દ્વારા કાર્યક્રમને વધુ ભાવવાહી બનાવવામાં આવ્યો. જન્મ વાંચન બાદ પારણા તથા સ્વપ્નોની આકર્ષક સજાવટના દર્શન માટે જૈન અને જૈનેતર સમાજના અનેક લોકો ઉમટ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ