સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.)-સુરતમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં ફરી એક વાર સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ સુરતીઓને નિરાશ કરી ગઈ છે. પાણી નિકાલ ન થવાને કારણે મુખ્ય રસ્તાઓ પર પાણીનો ભરાવો સર્જાયો હતો.
ખાસ કરીને સુરત–નવસારી રોડ પર પરિસ્થિતિ ગંભીર રહી. એક કિલોમીટર લાંબા રસ્તા પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક ધીમો પડી ગયો અને વાહનચાલકો હાલાકીમાંથી પસાર થયા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા તો રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થતા નોકરી-ધંધે જતા લોકોને ભારે તકલીફ પડી. વરસાદ સાથે રસ્તાઓની ખરાબ હાલત અને પાણીનો ભરાવો મળીને ટ્રાફિક પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ હતી.
હાલ વરસાદી માહોલ યથાવત છે અને જો ઝાપટા ચાલુ રહેશે તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે