પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.): બાલા હનુમાન ગ્રુપ દ્વારા ઓડદર સ્થિત ગૌ શાળામાં ગૌમાતા અને નંદીના નિભાવ માટે અનુદાનની જાહેરાતની સાથોસાથ સૌને ગૌ સેવાના કાર્યમાં જોડાવવા અપીલ અનુસંધાને દાતાઓ દ્વારા રૂપિયા બે કરોડ થી વધુનું અનુદાન આપતા હવે ગૌ શાળાનું સુવ્યવસ્થિત સંચાલન થાય, જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ ભવિષ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી હાઈટેક ગૌશાળા નું નિર્માણ કરવા માટે શું શું આયોજન કરી શકાય તે અંગે ની એક બેઠક પોરબંદર મહાનગરપાલિકા ખાતે મળી હતી.આ બેઠક માં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, કમિશનર એચ.જે. પ્રજાપતિ, ડે.કમિશનર હર્ષ પટેલ, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા, સાગર મોદી, પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા, લાખણશી ગોરાણીયા, કેતનભાઈ ભરાણીયા, મનીષભાઈ સિંધવ, બિરાજ કોટેચા, અનિલરાજ સંઘવી, અજય દતાણી, સુમિત સલેટ, વિજય ઉનડકટ, જ્યેન્દ્ર ખૂંટી સહીત ગૌ શાળા માટે દાન આપનાર દાતાઓ, વરિષ્ઠ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગ માં ઉપસ્થિત સૌ દ્વારા ગૌ શાળા ના વિકાસ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. હાલમાં તાત્કાલિક ધોરણે ગૌમાતા ને પૂરતો ઘાસચારો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી, ઘાસચારો નાખવા માટે આર.સી.સી., પ્લેટફોર્મ તૈયાર કરવુ તથા ૫શુઓ વ્યવસ્થીત ઘાસચારો ચરી શકે તે માટે એલ્યુમિનિયમ સેકશન કે લોખંડથી ગમાણ (સ્ટોરેજ) બનાવી તેમજ આગામી દિવસો માં વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી ગૌશાળા ને હાઈટેક ગૌશાળા બનાવવાનું આયોજન કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ આગેવાનો, દાતાઓ દ્વારા કરવામાં આવેલ સૂચનોની પણ નોંધ કરીને આગામી દિવસો માં વિવિધ મુદ્દાઓ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરાશે.
આગામી દિવસોમાં ગૌ શાળાના સંચાલન માટે જિલ્લા કલેકટર અને મહાપાલિકાના કમિશનરની અધ્યક્ષતામાં એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે અને આ સમિતિ દ્વારા ગૌશાળાનું સંચાલન કરવામાં આવશે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે ત્યારે આગામી દિવસો માં ઓડદર ગૌ શાળા માં ગૌમાતા અને નંદીઓ માટે ઉભી થતી વિવિધ સમસ્યાનો ઉકેલ આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya