સિડની, નવી દિલ્હી, 25 ઓગસ્ટ
(હિ.સ.) ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન બેલિન્ડા ક્લાર્કને સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ
ઓફ ફેમ દ્વારા 'લેજેન્ડ'નો દરજ્જો
આપવામાં આવ્યો છે. ક્લાર્ક આ સન્માન મેળવનાર માત્ર છઠ્ઠી ક્રિકેટર બની છે. તેમના
પહેલા ડોન બ્રેડમેન, કીથ મિલર, રિચી બેનોડ, ડેનિસ લિલી અને
શેન વોર્નને આ સન્માન મળ્યું છે. ‘હોલ ઓફ ફેમે’ તેને રમતમાં તેમની શ્રેષ્ઠતા, લાંબી કારકિર્દી, જુસ્સો અને
યોગદાનની માન્યતા તરીકે વર્ણવ્યું હતું.
ક્લાર્કને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક માનવામાં આવે
છે. 1991 થી 2005 સુધીની તેમની કારકિર્દીમાં, તેમણે વન ડેમાં 47.49 અને ટેસ્ટ માં 45.95 ની સરેરાશથી રન બનાવ્યા.
માત્ર 23 વર્ષની ઉંમરે કેપ્ટન બનેલા ક્લાર્કે 11 વર્ષ સુધી આ જવાબદારી નિભાવી.
તેમની કેપ્ટનશીપ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ 101વન ડેમાંથી 83 જીત
મેળવી અને બે વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા.
ક્લાર્ક 1997ના વર્લ્ડ કપમાં ડેનમાર્ક સામે 229 રનની અણનમ
ઇનિંગ રમીને વન ડે માં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી (પુરુષ કે મહિલા) બન્યા.
પોતાની કારકિર્દી પછી પણ, ક્લાર્કે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં પ્રશાસક અને આઈસીસીમહિલા સમિતિના
સભ્ય તરીકે યોગદાન આપ્યું હતું.
ક્લાર્કે કહ્યું, આ એક અવિશ્વસનીય સન્માન છે. હું ગર્વ, કૃતજ્ઞતા અને
આશ્ચર્યનું મિશ્રણ અનુભવી રહી છું. ક્રિકેટ એક ટીમ રમત છે અને આ સિદ્ધિ મારા સાથી
ખેલાડીઓ, કોચ અને સપોર્ટ
સ્ટાફની સખત મહેનતનું પરિણામ પણ છે. મને ખુશી છે કે મહિલા ક્રિકેટ યોગ્ય દિશામાં
આગળ વધી રહ્યું છે અને મને તેના ભવિષ્ય વિશે વિશ્વાસ છે.
સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા ‘હોલ ઓફ ફેમ’ પસંદગી સમિતિના અધ્યક્ષ
બ્રુસ મેકએવનીએ કહ્યું,
ક્લાર્ક એક ટ્રેલબ્લેઝર છે. તેણીએ આક્રમક બેટિંગથી રમત રમવાની રીત બદલી નાખી.
ખેલાડી, કેપ્ટન અને ટોચના
પ્રશાસક તરીકે તેની નેતૃત્વ ક્ષમતા અને પ્રભાવ અજોડ છે.
ક્લાર્કની પ્રતિમા 2023 માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે સ્થાપિત
કરવામાં આવી હતી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સે પણ તેમના
નામે મેડલ શરૂ કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ