કલકતા, નવી દિલ્હી, 25 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં એસએસસી ભરતી કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, સોમવારે સવારથી જ મોટા પાયે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઈડી ની ટીમો કોલકતા સહિત ઘણા જિલ્લાઓમાં પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ દરોડા મુર્શિદાબાદ અને બીરભૂમ જિલ્લામાં પાડવામાં આવ્યા હતા, જ્યાં તૃણમૂલ કોંગ્રેસના (ટીએમસી) ધારાસભ્ય જીવનકૃષ્ણ સાહા અને તેમના સંબંધીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુર્શિદાબાદના આંડી સ્થિત બડર્ત્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જીવનકૃષ્ણ સાહાના ઘરે સવારથી જ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી અધિકારીઓની પાંચ સભ્યોની ટીમ સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ (સીએપીએફ)ના કર્મચારીઓ સાથે ત્યાં પહોંચી અને ઘરને ઘેરી લીધું અને શોધખોળ શરૂ કરી. આ દરમિયાન, ધારાસભ્ય પોતે ઘરમાં હાજર હતા અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ સાથે, ઈડી એ રઘુનાથગંજ (પિયારાપુર) માં સાહાના સાસરિયાના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા. આ ઉપરાંત, ઈડી એ બીરભૂમ જિલ્લાના સૈંથિયામાં વોર્ડ નંબર નવના ટીએમસી કાઉન્સિલર અને સાહાની કાકી માયા સાહાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. માયા સાહાના ઘરની બહાર પણ કેન્દ્રીય દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે અધિકારીઓ અંદર તપાસમાં રોકાયેલા હતા.
દરોડા દરમિયાન, ઈડી અધિકારીઓએ કોઈપણ પ્રશ્ન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટતા કરી હતી કે, સર્ચ ઓપરેશન એસએસસી ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ કૌભાંડમાં જીવનકૃષ્ણ સાહાનું નામ પણ અગાઉ સામે આવ્યું છે. એપ્રિલ 2023 માં, સીબીઆઈ એ આ જ કેસમાં તેમની ધરપકડ કરી હતી. તે સમયે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, સર્ચ ઓપરેશન દરમિયાન, સાહાએ પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેના બે મોબાઈલ ફોન તળાવમાં ફેંકી દીધા હતા. બાદમાં સર્ચ ઓપરેશન દરમિયાન, તે ફોન મળી આવ્યા હતા. લગભગ 13 મહિના જેલમાં રહ્યા બાદ, સાહાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા.
માહિતી અનુસાર, ઈડી એ મુર્શિદાબાદ જિલ્લાના મહિસ ગામના બેંક કર્મચારી રાજેશ ઘોષના ઘરે પણ દરોડા પાડ્યા છે. તે જ સમયે, ઈડી ટીમો કોલકતામાં ઘણી જગ્યાએ સક્રિય હોવાનું કહેવાય છે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ