પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા NSUI દ્વારા ‘વોટ ચોર, ગાદી છોડ’ મુદ્દે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર્તાઓએ રાષ્ટ્રપતિને સંબોધીને પોસ્ટકાર્ડ લખી વિરોધ વ્યક્ત કર્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પોતાનું પોસ્ટકાર્ડ લખીને આંદોલનને સમર્થન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન NSUIના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા અને ભારતીય જનતા પાર્ટી સામે કડક વિરોધ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકશાહી પ્રક્રિયામાં નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરવો અને ખોટા મતદાન સામે અવાજ ઉઠાવવો હતો.
ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે મત એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે ખોટી મતદાર યાદી અને ભ્રષ્ટ રીતોથી તે લોકશાહીને નુકસાન પહોંચાડી રહી છે. તેમણે પાટણ તેમજ સમગ્ર ગુજરાતની જનતાને NSUIના આ અભિયાનને સમર્થન આપવાની અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ