સુરત, 26 ઓગસ્ટ (હિ.સ.): પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ નોબલટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી કોટેડ ટેકનીકલ ટેક્ષટાઈલ ફેબ્રીક્સનો માલ ખરીદ્યા બાદ હીતકર મલ્ટી પ્રોડ્કટ્સ પ્રા.લી કંપનીના મખારીયા દંપતિ સહિત ત્રણ ડિરેકટરોએ રૂપિયા 38.61 લાખનું પેમેન્ટ નહી આપી ચુનો ચોપડ્યો હતો.
સચીન જી.આઈ.ડી.સી, સી.આર.પાટીલ, રોડ, લક્ષ્મી વીલા ખાતે રહેતા સંતોષ રામઅનુપ સિંધ (ઉ.વ.42) પાંડેસરા જી.આઈ.ડી.સીમાં આવેલ નોબલટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સિનિયર ઍકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. મોઘી બેગો બનાવવા ઉપયોગમાં લેવાતા ફેબ્રીક્સ બનાવતી તેમની કંપનીમાં એપ્રિલ 2023માં શિવપ્રકાશ મખારીયા મળવા માટે આવ્યા હતા. અને પોતાની ઓળખ હરીયાણા, ગુરુગ્રામ, ગુડગાવ, ઉદ્યોગ વિહાર ખાતે આવેલ હીતકર મલ્ટી પ્રોડક્ટસ પ્રા.લી કંપનીના સી.ઈ.ઓ તરીકે આપી હતી. શિવપ્રકાશે પોતાની કંપની મોઘીદાટ બેગો બનાવવાનો ધંધો કરે છે. અને તેમની કંપનીના ડીરેકટર તરીકે સુલોચના મખારીયા અને ભગવાન પ્રસાદ શર્મા છે. સંતોષભાઈના શેઠ પાસે કોટેડ ટેકનીકલ ફેબ્રીક્સ બનાવતી હોવાનો સેમ્પલ જાવા માંગ્યો હતો. માલ પસંદ પડતા વેપાર ધંધાની વાતચીત કરી પેમેન્ટ કન્ડીશન 60 દિવસ નક્કી કરી હતી.
શરુઆતમાં શિવપ્રકાશ, તેની સુલોચના અને ભગવાન પ્રસાદે માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ ગત તા 27 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2025 સુધીમાં ટુકડે ટુકડે કરી ટ્રાન્સપોર્ટ મારફતે 65,29,000નો માલ ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા 27,68,00 ચુકવ્યા હતા. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 38,61,000 ની ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા ખોટા વાયદાઓ આપ્યા બાદ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી નોબલટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના માલીક સાહીલભાઈ દ્વારા તેમની કંપનીની મુંબઈ કલ્બાદેવી રોડ ખાતે આવેલ ઓફિસમાં ઉઘરાણી કરવા જતા ધાકધમકી આપી પેમેન્ટ મળશે નહી તેમ કહી ઓફિસમાંથી કાઢી મુક્યા હતા. બનાવ અંગે નોબલટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના એકાઉન્ટન્ટ સંતોષભાઈ સિંધઍ ગતરોજ ફરિયાદ નોધાવતા ક્રાઈમ બ્રાન્ચે મખારીયા દંપતિ અને ભગવાન પ્રસાદ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે