જુનાગઢ, 26 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, ગત તા.૨૦ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઓઝત નદીના કાંઠાના માટીના પાળા તૂટી જવાથી જમીનનુ ધોવાણ થયુ છે. ત્યારે કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ વહીવટી તંત્ર એ સ્થળ મુલાકાત કરી મેળવ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં તા.૨૦ ઓગસ્ટ ના રોજ કેશોદ, માણાવદર, વંથલી અને મેંદરડા તાલુકામાં અંદાજે ૧૦ થી ૧૪ ઇંચ સુધી નો ભારે વરસાદ થયો હતો. જેના કારણે ઓઝત તથા અન્ય નદીઓમાં ભારે પુર આવ્યા હતા. કેશોદ તથા માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં નદીનું પાણી માટીપાળા પરથી ઓવરટોપીંગ થવાને લીધે ઓઝત નદીના કાંઠે આવેલ ખાતેદારોના ખેતરોના માટીના પાળાઓ તૂટ્યા છે. જેમાં ઘેડ વિસ્તારમાં ઓઝત નદીને કાંઠે આવેલ કેશોદ તાલુકાના બામણાસા ગામે ૬, બાલાગામ ગામે ૮, અને ઇન્દ્રાણા ગામે ૪, તથા માણાવદર તાલુકાના કોયલાણા ગામે ૨, મટીયાણા ગામે ૪,આંબલીયા ગામે ૧ અને પાદરડી ગામે ત્રણ ખેડૂત ખાતેદારોના ખેતરના માટીના પાળાઓ તથા મોવાણા ગામે તળાવનો માટી પાળો ઓવરટોપીંગ થવાને કારણે ધોવાયો હતો.
જે અન્વયે કાર્યપાલક ઇજનેર પી.બી. કોઠીયા, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એમ.જે.વઘાસિયા તથા મદદનીશ ઈજનેરશ્રી એન. એમ. કયાડા દ્વારા ઘેડ વિસ્તારમાં કેશોદ તાલુકાના બામણાસા ગામની સીમમાં તુટેલ પાળાઓની સ્થળ મુલાકાત કરી હતી. આ સ્થળ મુલાકાત દરમિયાન બામણાસા ગામે ૬ પાળા તૂટેલ હોવાનું તેમજ તેની આજુબાજુના વિસ્તારની જમીનોનું ધોવાણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં બામણાસા ગામના ખાતેદાર પરબત કેસૂર કરંગીયાનું પશુ બાંધવાનું એક મકાન પણ પાળો તૂટતા નદીના પ્રવાહના કારણે ધરાશઈ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બામણાસા ગામની સીમ વિસ્તારમાં ઓઝત નદીના કાંઠે જગમાલભાઈ ભીખાભાઈ પિઠીયાના ખેતરનો પાળો તૂટવાના કારણે પશુ બાંધવાનું મકાન તથા ગોડાઉનનો અમુક ભાગ ધરાશાઈ થયેલ છે.
આ ઉપરાંત પ્રાંત અધિકારી કેશોદ તેમજ માણાવદર મામલતદાર દ્રારા પણ સિંચાઈ વિભાગના કર્મચારીઓને સાથે રાખી આંબલિયા ગામે ઓઝત નદી કીનારે આવેલ પાળા તૂટતા સ્થળ મુલાકાત કરી હતી.
કેશોદ તથા માણાવદર તાલુકાના બાકી રહેલ ગામોમાં પાળાઓની કચેરીના તાંત્રિક સ્ટાફ દ્વારા તા.૨૩ તથા ૨૪ ઓગસ્ટના રોજ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.આમ, જે જગ્યા એ સર્વે થઈ ચૂકેલ છે ત્યાં ખાતેદારની રજૂઆત મુજબ બોરીબંધ કરવા સારું સરકાર માં દરખાસ્ત કરવામાં આવી છે.
જ્યારે હાલ કેટલીક અસરગ્રસ્ત જગ્યાએ પહોંચી શકાય તેવી સ્થિતિ ના હોય આ વિસ્તારમાં પાણી ઓછા થયા બાદ તાંત્રિક સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત કરી સર્વે હાથ ધરવામાં આવશે એમ કાર્યપાલક ઇજનેર પી.બી. કોઠીયા એ અખબારી યાદીમાં જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ