મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.): ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને BAPS સંસ્થાના વડા, મહંત સ્વામી મહારાજ આગામી 5 સપ્ટેમ્બરે મહેસાણા પધારી રહ્યા છે અને 19 સપ્ટેમ્બર સુધી એટલે કે 15 દિવસ રોકાશે. આ અવધિ દરમિયાન મહેસાણાના સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ પ્રેરણાત્મક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મંદિર પરિસરમાં વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એકસાથે આશરે 11 હજાર ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા છે, જ્યારે દરરોજ 10 હજારથી વધુ ભક્તો કાર્યક્રમોમાં હાજરી આપશે એવી અપેક્ષા છે.
આ ઉત્સવ દરમિયાન મહિલા દિન અને બાળ દિનનું આયોજન કરવામાં આવશે, જેમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના 5 હજારથી વધુ બાળકો જોડાશે. સાથે જ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી ઉત્સવ પણ ભવ્ય રીતે ઉજવાશે, જેમાં 20 હજારથી વધુ હરિભક્તોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે. લગભગ સાત વર્ષ બાદ મહેસાણા પધારી રહેલા મહંત સ્વામી મહારાજના આગમનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે અને અનેક રાજકીય નેતાઓ પણ દર્શન તથા આશીર્વાદ લેવા ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR