પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર ગ્રામ્ય પંથકના પી.જી.વી.સી.એલ.ને લગતા પ્રશ્નો હાલ કરવા કાર્યવાહી ત્વરિત ધોરણે થાય તે માટે ગ્રામ્ય પંથકને લાગુ પડતા ત્રણેય સબ ડિવિઝનો ના વીજ પ્રશ્નોના ઉકેલ માટે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયા અને આગેવાનો એ કાર્યપાલક ઈજનેર યુ.સી. સુથારીયા સાથે બેઠક યોજી હતી જેમાં તમામ સબ ડિવિઝન ના એન્જીનીયરો પણ હાજર હતા.
આ બેઠક માં ભાજપ અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પ્રતાપભાઈ કેશવાલા, શીશલી ગામ સરપંચ પોપટભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા અને કોસ્ટલ સબ ડિવિઝન, બગવદર સબ ડિવિઝન તેમજ મજીવાના સબ ડિવિઝન માં જુદી જુદી ફરિયાદો ઉભી થયેલ છે જે અંગે પીજીવીસીએલના અધિકારીઓ - એન્જીનીયરો સાથે ચર્ચા કરી હતી જેમાં મુખ્યત્વે વાયર તૂટવા, જમ્પર, એલ.ટી.વાયરો તૂટવા, ફીડર બંધ થવા, વારંવાર ફીડર મેઈન્ટેનન્સ કરવા, તમામ ગ્રાહકોના ફીડર ચેક કરવા, નવા વાયર નાખવા વગેરે ફરિયાદોના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી વહેલી તકે થાય તે માટે રજુઆત કરવામાં આવી હતી તેમજ ખાસ જરૂરી આ લાઈનો ને નડતરરૂપ વૃક્ષ ની ડાળીઓ નું કટિંગ કરવા અને જરૂર જણાય ત્યાં નવા વીજ પોલ નાખવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
તેમજ બેકફીડર, કીંડાલા ફીડર, લીરબાઈ ફીડર, સુંડાવદર ફીડર, ભેટકડી ફીડર, દેગામ ફીડર ઉપરાંત કુછડી ફીડર, રાતડી ફીડર, બરડીયા ફીડર માં વીજ પુરવઠા નું વિભાજન કરી લોડ ઓછું કરવા તેમજ મરમ્મત કરવા જણાવ્યું હતું. આ તમામ ફરિયાદો સ્થળ ઉપર ચેક કરીને ત્વરિત ઉકેલ માટેની કાર્યવાહી કરવી જરૂરી હોવાનું આગેવાનો એ અધિકારીઓ ને જણાવતા યોગ્ય નિરાકરણ ની ખાતરી આપવામાં આવી છે. તેમજ પાવ ફીડરના સમારકામ માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ આવેલ હોય તેની કામગિરિ પણ શરુ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya