નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.) આર. માધવને, તેમના કરિયરમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે અને તેમના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. ફાતિમા સના શેખ સાથે છેલ્લે 'આપ જૈસા કોઈ'માં જોવા મળેલો માધવન, હવે તેમની નવી ફિલ્મ 'બ્રિજ' લઈને આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં તેમની જોડી અભિનેત્રી રાશિ ખન્ના સાથે બનવા જઈ રહી છે.
અહેવાલો અનુસાર, સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'બ્રિજ'ની વાર્તા બ્રિટનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આમાં માધવન અને રાશિ ખન્ના, સાથે સોહા અલી ખાન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સોહા અને માધવનને પડદા પર એકસાથે જોવા મળવાનું દર્શકો માટે ખાસ રહેશે, કારણ કે બંનેએ 19 વર્ષ પહેલાં 'રંગ દે બસંતી'માં સાથે કામ કર્યું હતું.
ફિલ્મની વાર્તા એક એવા કપલ પર કેન્દ્રિત છે, જે 10 વર્ષ પહેલાં ગુમ થયેલી તેમની પુત્રીને શોધી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન અક્ષય કુમારની મિશન મંગલ ફિલ્મના લેખક નિધિ સિંહ ધર્મા અને સિનેમેટોગ્રાફર નાગરાજ દિવાકર દ્વારા કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ બંનેનું દિગ્દર્શન તરીકેનું ડેબ્યૂ છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષના અંતમાં અથવા 2026 ની શરૂઆતમાં રિલીઝ થવાની ધારણા છે.
માધવન પાસે બ્રિજ સિવાય ઘણા મોટા પ્રોજેક્ટ્સ પણ છે. તે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સાથે 'દે દે પ્યાર દે 2'માં જોવા મળશે. આ ઉપરાંત, રણવીર સિંહ સાથેની તેની ફિલ્મ 'ધુરંધર' પણ લાઇનઅપમાં છે. તે કંગના રનૌત સાથે એક થ્રિલર ફિલ્મ પર પણ કામ કરી રહ્યો છે. બીજી તરફ, રાશિ ખન્ના ટૂંક સમયમાં ફરહાન અખ્તર અને શાહિદ કપૂરની વેબ સિરીઝ 'ફરઝી 2' સાથે '120 બહાદુર'માં જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ