અમરેલી 27 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા અમરેલી ખાતે આત્મનિર્ભર મહિલા સહકારી સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની મહિલાઓને સહકારી ક્ષેત્ર સાથે જોડીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
આ અવસરે ગુજરાત મહિલા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી. ની અધ્યક્ષ ગીતાબેન સંઘાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આજના યુગમાં મહિલાઓ માટે આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી છે અને સહકારી ક્ષેત્ર મહિલાઓને રોજગારી તેમજ ઉદ્યોગની તક પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મહિલાઓ ઘરેથી નાના ઉદ્યોગો શરૂ કરી શકે છે અને સહકારી સંસ્થાઓની મદદથી તેમના વ્યવસાયને આગળ વધારી શકે છે.
સેમિનારમાં પૂનમબેન સંઘાણીએ પણ પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મહિલાઓ પાસે કાર્યશક્તિ અને કુશળતા છે, ફક્ત યોગ્ય માર્ગદર્શન અને સહાય મળવાથી તેઓ પોતાનું તથા પરિવારનું આર્થિક ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આ કાર્યક્રમમાં ઘરે બેઠા વિવિધ હસ્તકલા, ખાદ્યપદાર્થો અને ઘરગથ્થુ વસ્તુઓ બનાવતી બહેનો પણ ઉપસ્થિત રહી હતી. તેમણે પોતાના અનુભવો રજૂ કર્યા અને અન્ય બહેનોને પ્રોત્સાહિત કર્યા.
અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, આ પ્રકારના સેમિનારોથી મહિલાઓમાં નવી પ્રેરણા અને આત્મવિશ્વાસ જગાડવામાં સહાય મળે છે. આગામી દિવસોમાં મહિલાઓ માટે તાલીમ કેમ્પ, લોન સુવિધા અને બજાર સાથે સીધા જોડાવા માટે વધુ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ રીતે આ સેમિનાર મહિલાઓના આર્થિક વિકાસ અને સહકારી ક્ષેત્ર પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક સફળ પ્રયાસ સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai