કોલકતા, નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, મની લોન્ડરિંગ કેસમાં બે ફોરેક્સ કંપનીઓ - ટીપી ગ્લોબલ એફએક્સ અને આઈએક્સ ગ્લોબલની 18.78 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે.
ઈડી ના કોલકાતા ઝોનલ ઓફિસે સર્ચ ઓપરેશન બાદ ફ્લેટ, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ જગ્યાઓ, ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી મિલકતો જપ્ત કરી છે. કોલકાતા પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા ટીએમ ટ્રેડર્સ, કેકે ટ્રેડર્સ, ટીપી ગ્લોબલ એફએક્સ, આઈએક્સ ગ્લોબલ, આઈએક્સ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય સામે નોંધાયેલી એફઆઈઆર ના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સ્પષ્ટતા કરી છે કે, ટીપી ગ્લોબલ એફએક્સ ની વેબસાઇટ આરબીઆઈ માં નોંધાયેલ નથી અને ન તો તેની પાસે ફોરેક્સ ટ્રેડિંગ માટે કોઈ પરવાનગી છે. સેન્ટ્રલ બેંકે 9 સપ્ટેમ્બર, 2022 ના રોજ પહેલાથી જ એક ચેતવણી સૂચિ જારી કરી હતી, જેમાં લોકોને અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી હતી.
શુક્રવારે કેન્દ્રીય એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ઈડી ની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રસેંજીત દાસ અને તુષાર પટેલ જેવા વ્યક્તિઓએ અનેક ડમી કંપનીઓ દ્વારા રોકાણકારોને છેતરવાની યોજના બનાવી હતી. તેમને ઊંચા વળતરની લાલચ આપીને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવવામાં આવતું હતું. તે જ સમયે, આઈએક્સ ગ્લોબલના ડિરેક્ટર અને પ્રમોટર - સુહાસ પાટિલ અને જોસેફ માર્ટિનેઝ સહિત ઘણા પ્રભાવશાળી લોકો ટીપી ગ્લોબલ એફએક્સ ને 'પસંદગીના બ્રોકર' તરીકે પ્રમોટ કરતા રહ્યા.
ટીપી ગ્લોબલ એફએક્સ, આઈએક્સ ગ્લોબલ, આઈએક્સ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ અને તેમના પ્રમોટરો/પ્રભાવકો જેમ કે વિરાજ સુહાસ પાટિલ, તુષાર પટેલ, જોસેફ માર્ટિનેઝ સામે દેશભરમાં અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. અગાઉ, ઈડી એ શૈલેષ કુમાર પાંડે, પ્રસેનજીત દાસ અને વિરાજ સુહાસ પાટિલની પણ ધરપકડ કરી હતી.
ઈડી એ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ કેસમાં 291 કરોડ રૂપિયાની રોકડ, સોનું, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી સંસ્થાઓ, ઓફિસો, ખેતીની જમીન, વાહનો, ક્રિપ્ટોકરન્સી અને બેંક બેલેન્સ જપ્ત/સ્થિર/જોડવામાં આવ્યા છે. આ કેસમાં કોલકાતાની ખાસ પીએમએલએ કોર્ટમાં અત્યાર સુધીમાં ત્રણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ