નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના વ્યક્તિગત હુમલાની નિંદા કરી છે અને તેને અલોકતાંત્રિક ગણાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે શુક્રવારે પાર્ટી મુખ્યાલયમાં મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ પાર્ટી વારંવાર પ્રધાનમંત્રી મોદી પર વ્યક્તિગત હુમલાઓ કરી રહી છે. જ્યારે વંશવાદ અને ભ્રષ્ટાચારની રાજનીતિનો પર્દાફાશ થયો, ત્યારે હતાશામાં પ્રધાનમંત્રી મોદીની સ્વર્ગસ્થ માતાને પણ નિશાન બનાવવામાં આવ્યા. આ માત્ર પતનનું રાજકારણ જ નહીં પરંતુ જનતાનું અપમાન પણ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ એ સહન કરી શકતા નથી, કે કેવી રીતે એક ગરીબ માણસનો પુત્ર પ્રધાનમંત્રી પદ પર બેઠો છે અને તેમના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વ નેતા બનવા તરફ આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ યુવરાજ અને તેમની આખી ગેંગની વંશવાદ અને નફરતની દુકાન બંધ કરી દીધી છે. આ હતાશામાં, હવે ઇન્ડી ગઠબંધનના નેતાઓ પ્રધાનમંત્રીની માતાને ગાળો આપી રહ્યા છે, જે નિંદનીય છે. ચુગે મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બાંગ્લાદેશી ઘુસણખોરોને મતદારો બનાવીને બંગાળમાં વિભાજનકારી રાજકારણ ફેલાવી રહ્યા છે. તેઓ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે, પરંતુ ભાજપ આવું બિલકુલ થવા દેશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ