ગીર સોમનાથ 30 ઓગસ્ટ (હિ.સ.)સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન તેમજ ખેલે ભી, ખીલે ભી થીમને કેન્દ્રમાં રાખીને ત્રિ-દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ રમતોત્સવના પ્રથમ દિવસે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ ટેબલ-ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટૂર્નામેન્ટ યોજાઈ હતી.
આગાખાન સ્કૂલ, ચિત્રાવડ ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ટોસ ઉછાળીને હોકીની રમતની શરૂઆત કરવામાં આવી હતી.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય હેતુ યુવાનોમાં રમત-ગમત પ્રત્યે રુચિ કેળવાય તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ફિટ ઈન્ડિયા અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનો છે. મેદાનની રમતો રમવાથી સારી શારીરિક તંદુરસ્તી પણ કેળવાય છે અને ખેલદિલી,શિસ્ત, સમર્પણ અને ટીમવર્ક તેમજ આત્મવિશ્વાસ સહિતના ગુણો વિકસે છે. આમ કહી તેમણે રમત ગમતને જીવનનો અચૂક ભાગ બનાવવા ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.
ચિત્રાવડ ખાતે હોકી ઉપરાંત પ્રાંચી કે.કે.મોરી સ્કૂલ ખાતે હેન્ડબોલ, સરખડી ખાતે વોલીબોલ, જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કેરમ અને ટેબલ-ટેનિસ સ્પર્ધા જેવી ઈનડોર ગેમ્સ પણ યોજાઈ હતી.
આ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન રમતગમતના ક્ષેત્રે નવી ઊર્જા અને ઉત્સાહનું સંચાર કરનારૂ બન્યું હતું. અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, નેશનલ સ્પોર્ટ્સ ડે ના દ્વિતિય દિવસે બેડમિન્ટન, બીચ વોલીબોલ, ચેસ સહિતની રમતોના આયોજનો થકી વધુમાં વધુ લોકો રમતોત્સવની ઉજવણીમાં જોડાશે.
વિવિધ સ્થળોએ યોજાયેલી ટૂર્નામેન્ટમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા, ડી.વાય.એસ.પી શ્રી ચેતન ખટાણાં, તાલાલા મામલતદાર કે.જી.ચુડાસમા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત વિવિધ ટીમોના સભ્યો, કોચ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ