વલસાડ, 30 ઓગસ્ટ (હિ.સ.)-વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ મોબાઇલ યુનિટ શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર તાલુકાના ખાંડા ગામમાં સ્થિત સરકારી આયુર્વેદ દવાખાના ના આયુષ મેડિકલ ઓફિસર ડો.ભાવિન આર ચૌધરી દ્વારા, ઝરિયા, ભેંસધરા તેમજ ચીંચોઝર ગામે આયુષ મોબાઈલ યુનિટ સાથે મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં દરેક ગામોમાં ગ્રામજનોને હર્બલ ટી પીવડાવવામાં આવી હતી. સર્વ રોગ નિદાન અંગે સારવાર કરવામાં આવી હતી. પ્રચાર પ્રસાર માટે પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વિતા ઘટાડવા ઉપર ભાર મુકાતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી સૌ તંદુરસ્ત જીવન જીવે તે માટે આહવાન કર્યુ છે. આ અભિયાન અંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે પણ દર્દીઓને સમજાવી પથ્ય (ગુણકારી), અપથ્ય (અગુણકારી) આહાર વિહારની સમજણ આપવામાં આવી હતી. જેના દ્વારા દરેક વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે તેમ છે. વર્ષા ઋતુમાં થતા વાઇરલ તેમજ મેલેરિયા વિશે સમજણ આપવામાં આવી હતી.
હર્બલ ટી અને પેમ્ફલેટ વિતરણનો 267 લાભાર્થીએ લાભ મેળવ્યો હતો. જ્યારે નિદાન સારવારનો 97 લાભાર્થીએ લાભ મેળવ્યો હતો. સહાયક સહકાર સેવક યતેન્દ્ર ગવળી, યોગ ઈન્સ્ટ્રક્ટર આશાબેન તેમજ રમણભાઈ તેમજ સબસેન્ટર ઝરિયા તેમજ ભેંસધરાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે