પોરબંદર, 30 ઓગસ્ટ (હિ.સ.)રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ વિવિધ સેવા પ્રકલ્પોના માધ્યમથી સેવાદિવસ તરીકે ઉજવવામાં આવશે.પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રના લોકહિતચિંતક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એ ઉપક્રમમાં આ વર્ષે તા.31-08-25, રવિવારના રોજ પોરબંદર, ગુજરાત, તથા દેશના અનેક શહેરોમાં અને વિશ્વના કેટલાય દેશોમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય પ્રકલ્પો દ્વારા પૂજ્ય ભાઈશ્રીનો 69મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. આ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે વિધિવિધાન સાથે વર્ધાપન પૂજન કરવામાં આવશે તેમજ હરિમંદિરના શિવાલયમાં રુદ્રાભિષેક અને મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરના ગુરુકુળમાં સવારે 10:00 થી 1:00 દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.જેમાં સાંદીપનિના ઋષિકુમારો અને અધ્યાપકો અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે. તેમજ પોરબંદર શહેરથી કોઈએ સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે આવવું હોય તો આ અવસરે રક્તદાન કરી શકે છે.
પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવશે. પ્રાગજી આશ્રમ (ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ)માં રહેતા તમામ મનોરોગીઓને, સ્વ.ચંદ્રકાન્તભાઈ જોષીની શિશુ કુંજમાં રહેતા તમામ બાળકોને, અંધવૃદ્ધાશ્રમમાં, અંધગુરુકુળમાં, તિરુપતિ અન્નક્ષેત્રમાં તથા ભગવતી અન્નક્ષેત્રમાં મિષ્ટાન્ન ભોજન આપવામાં આવશે. આ સાથે પોરબંદરના સામાજિક સેવક પ્રવીણભાઈ ખોરાવાની સંસ્થા દ્વારા પૂજ્ય ભાઈશ્રીના સેવા દિવસ નિમિત્તે 68 દીકરીઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવશે. વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ રૂચીનો વિષય રહ્યો છે. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સેવાદિવસના અવસરે મહાનુભાવોના હસ્તે સાંદીપનિ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.
પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસ, સેવાદિવસ નિમિત્તે પ્રતિવર્ષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. એમ આ વર્ષે પણ સ્વચ્છતા અભિયાન યોજાશે. આ તમામ કાર્યક્રમનો લાભ લેવા માટે સૌ ભાવિકોને સાંદીપનિ સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya