જામનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) :
દેશભરમાં મેજર ધ્યાનચંદજીના જન્મદિનને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જામનગરમાં પણ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે, પોલીસ હેડક્વાર્ટરના ક્રિકેટ તારીખ 30 ઑગસ્ટ ના રોજ ગ્રાઉન્ડ ખાતે વિવિધ સરકારી કચેરીઓની ટીમો વચ્ચે એક રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ ટુર્નામેન્ટમાં કલેક્ટર કચેરી ટીમ, મહાનગરપાલિકા કચેરી ટીમ, જિલ્લા પંચાયત કચેરી ટીમ તથા પોલીસ અધિક્ષક કચેરી ટીમ એમ કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ટેનિસ બોલ સાથે રમાયેલ ૧૦ ઓવરની આ ટુર્નામેન્ટમાં ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આખરી અને રોમાંચક ફાઇનલ મેચ પોલીસ ઇલેવન અને મહાનગરપાલિકા ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં મહાનગરપાલિકા ઇલેવનનો 15 રનથી ભવ્ય વિજય થયો હતો.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમના માધ્યમથી કર્મચારીઓમાં ખેલકુદ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે રમતગમત અને સૌહાર્દની ભાવના વધુ મજબૂત બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt