પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અનુલક્ષીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણી સહિતનાં અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે આજે મેદસ્વીતા પ્રમાણ વધારે છે પણ આપણે બધાંએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેદસ્વિતા મુક્ત ભારત અભિયાનના સૂત્રને સાકાર કરવાનું છે.
દુનિયાના ઘણા દેશો સાઈકલનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે ખાસ કરીને બાળકોને 10 ધોરણ સુધી સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પર્યાવરણ જાળવણી ફાયદો થશે અને બાળકો મેદસ્વિતા મુક્ત રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી આવવાના સાથે મશીનોનો વધુ પડતો ઉપયોગ વધ્યો પણ તંદુરસ્ત જીવનશૈલી અને મેદસ્વિતા મુક્ત રહેવા માટે સાઈકલિંગ વધુ અસરકારક સાબિત થાય છે.
નાગરિકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતતા આવે અને પર્યાવરણની જાળવણી થાય રોજિદા જીવનમાં સાયકલનો ઉપયોગ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોના રૂટમાંથી પ્રથમવાર સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાઈકલ રેલી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સ્ટેશન રોડથી, રામ ગેસ્ટ હાઉસ, જલારામ શોપીંગ મોલ, વાડી પ્લોટ, હોટલ બાલાજી પેલેસ, કમલાબાગ, એમ.જી.રોડ, ફ્રેન્ડસ પેટ્રોલ પંપ, તાજાવાલા લોહાણા વાડી સહિતનાં વિસ્તારોમાં યોજાઈ હતી અને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી.આ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ સહિતના નાગરિકો જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya