નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). કોંગ્રેસ પાર્ટીએ, અમેરિકા સાથેના ટેરિફ વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાતની ટીકા કરી છે. પાર્ટી પ્રવક્તા જયરામ રમેશે, વડા પ્રધાનની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે, આ મુલાકાતનું મૂલ્યાંકન રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતોના સંદર્ભમાં થવું જોઈએ.
જયરામ રમેશે પોતાની એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, જૂન 2020 માં ગાલવાન ખીણમાં ચીની આક્રમણ દરમિયાન 20 ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આમ છતાં, 19 જૂન 2020 ના રોજ, વડા પ્રધાન મોદીએ ચીનને ક્લીનચીટ આપી હતી. સરહદ પર યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ જવા છતાં, સરકાર ચીન સાથે સમાધાન તરફ આગળ વધી રહી છે, જેનાથી બેઇજિંગના આક્રમણને પરોક્ષ રીતે કાયદેસરતા મળી રહી છે.
જયરામ રમેશે, આ વર્ષે 4 જુલાઈના રોજ ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે પાકિસ્તાન અને ચીનના જુગલબંધી વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, આ ગંભીર પડકાર પર નક્કર પગલાં લેવાને બદલે, સરકાર ચૂપ રહી અને હવે ચીનને રાજ્ય મુલાકાતો આપીને પુરસ્કાર આપી રહી છે.
તેમણે કહ્યું કે યારલુંગ ત્સાંગપો નદી પર ચીન દ્વારા એક વિશાળ જળવિદ્યુત પ્રોજેક્ટની જાહેરાત ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે ગંભીર ખતરો છે પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જયરામ રમેશે કહ્યું કે, ચીનમાંથી આયાતના અનિયંત્રિત ડમ્પિંગથી ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) એકમો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અન્ય દેશોની જેમ કડક પ્રતિબંધો લાદવાને બદલે, ભારતે ચીની આયાતને છૂટ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ