અમરેલી 31 ઓગસ્ટ (હિ.સ.)
આજરોજ અમરેલીના સરદાર પટેલ રમત સંકુલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલી ના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો, પર્યાવરણ સુરક્ષા અંગે સંદેશ ફેલાવવાનો અને યુવાનોને રમતગમત પ્રત્યે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના સેકડો યુવાનો, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીની શરૂઆત સરદાર પટેલ રમત સંકુલથી થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ફરીથી સંકુલ ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન સાયકલ ચાલકો દ્વારા “ફિટ ઇન્ડિયા – હિટ ઇન્ડિયા” જેવા સૂત્રો ઉચ્ચારાતા જોવા મળ્યા.
આ અવસરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા દૈનિક સાયકલ ચલાવવાની પ્રેરણા આપી તેમજ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી. કાર્યક્રમમાં હાજર રહેલા નાગરિકોએ પણ આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજાય તેવી માંગણી કરી.
અમરેલી ખાતે આયોજિત સાયકલ રેલી યુવાનોમાં આરોગ્ય, રમતગમત અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવનાર અનોખો પ્રયાસ સાબિત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai