સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)- ગુજરાતમાં પ્રથમવાર સુરત ખાતે 4000થી વધુ શિક્ષકોને કૃતિમ બુદ્ધિ (AI) આધારિત શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. બનાસકાંઠાના 15થી 24 વર્ષની વયના 8 યુવા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી ખાસ એપ ‘AI FOR EDUCATORS’ મારફતે આ તાલીમ આપવામાં આવી.
સુરત જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે સદજન ખાતે આવેલા પ્રમુખસ્વામી સભાગૃહમાં આ વિશાળ સેમિનાર યોજાયો હતો. જેમાં 4000થી વધુ શિક્ષકો અને 300થી વધુ શાળાના સંચાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારમાં શિક્ષકોને આપવામાં આવેલ મુખ્ય માર્ગદર્શન
શિક્ષણમાં AIનો ઉપયોગ અને તેનો વ્યાપ
નવીન ટેક-ટૂલ્સનો પરિચય
AI દ્વારા વ્યક્તિગત અભ્યાસક્રમની રચના
ભવિષ્યના શિક્ષણમાં પડકારો અને તકો
EDUTOR GROUPના દેવેન્દ્ર ત્રિવેદી અને તેમની ટીમે શિક્ષકોને AI આધારિત સાધનો, શૈક્ષણિક એપ્લિકેશન્સ અને નવીન પદ્ધતિઓ વિશે પ્રાયોગિક જાણકારી આપી.
AI દ્વારા શિક્ષણ – વ્યક્તિગત અભ્યાસ તરફ મોટું પગલું
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઉપસ્થિત રહી શિક્ષકોને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે ડિજિટલ યુગમાં શિક્ષણ માત્ર પુસ્તકો કે બોર્ડ સુધી સીમિત નથી. AI શિક્ષણને વધુ વ્યક્તિગત અને પ્રભાવશાળી બનાવે છે, જે દરેક વિદ્યાર્થી સુધી યોગ્ય રીતે પહોંચી શકે છે.
આ એપને 15 વર્ષીય ચિરાગ જોષી, ધોરણ 11ના વિદ્યાર્થી, ઓપરેટ કરી રહ્યા છે. હાલ દરરોજ 15થી 20 હજાર શિક્ષક અને વિદ્યાર્થી આ એપનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે અઠવાડિયામાં 50 હજારથી વધુ લોકો તેનો લાભ લઈ રહ્યા છે.
ધોરણ 1થી 12 સુધીના અભ્યાસક્રમનો સમાવેશ
આ એપ્લિકેશનમાં ગુજરાત બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ અને CBSE બોર્ડના અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે. ધોરણ 1થી 12 સુધીના તમામ વિષયો શિક્ષકો સરળતાથી ભણાવી શકે તેવી સુવિધા તેમાં ઉપલબ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે