મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના વિઝન અને માર્ગદર્શન હેઠળ આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ, મહેસાણા તથા જનરલ હોસ્પિટલ, મહેસાણા ના સંયુક્ત આયોજન દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ ક્વાર્ટરલી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો હેતુ ડાયાબિટીસથી પીડાતા ખાસ બાળકોને નિષ્ણાત સારવાર તેમજ સતત આરોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવવાનો હતો.
કેમ્પ દરમિયાન ખાસ બાળકોની વિગતવાર તબીબી તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટરો દ્વારા દરેક બાળકનું બ્લડ સુગર લેવલ, ડાયેટ, દવાઓ તથા જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોના વાલીઓને પણ ડાયાબિટીસના લક્ષણો, ઈન્સુલિનની મહત્વતા, નિયમિત તપાસ કરવાની જરૂરિયાત તેમજ balanced diet વિશે સમજાવાયું.
કેમ્પમાં જોડાયેલા અનેક બાળકોને તાત્કાલિક જરૂરી સારવાર તેમજ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સાથે સાથે લાંબા ગાળે સ્વાસ્થ્ય સુધારવા માટે નિયમિત ફોલો-અપની વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી હતી.
મહેસાણા ખાતે યોજાયેલ જુવેનાઇલ ડાયાબિટીસ કેમ્પ ખાસ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો અને તબીબી નિષ્ણાતોની સીધી સેવા મળવાથી તેમના આરોગ્યમાં સુધારાનો વિશ્વાસ જન્મ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR