નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાટાઘાટો કરી હતી. લગભગ દસ મહિના પછી આ તેમની પ્રથમ દ્વિપક્ષીય વાટાઘાટો છે. તેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રારંભિક નિવેદનમાં કહ્યું હતું કે, ગયા વર્ષે કાઝાનમાં થયેલી વાટાઘાટોથી ભારત-ચીન સંબંધોને સકારાત્મક દિશા મળી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરહદ પર અશાંતિ પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે. મોદીએ ભાર મૂક્યો હતો કે, આ વાતાવરણ બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવાની તક પૂરી પાડે છે.
મોદીએ કહ્યું કે, કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. આ યાત્રા માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પણ બંને દેશોના લોકોને જોડવાનું માધ્યમ પણ છે. તેમણે તેને પરસ્પર વિશ્વાસ અને સહયોગનું પ્રતીક ગણાવ્યું. આ નિર્ણય બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. વડા પ્રધાને કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ રહી છે. તેમણે તેને વ્યવસાય, સંસ્કૃતિ અને જાહેર સંબંધો માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. મોદીએ કહ્યું કે, બંને દેશોના 2.8 અબજ લોકોના હિતો આ સહયોગ સાથે જોડાયેલા છે અને તે સમગ્ર માનવતાના કલ્યાણમાં ફાળો આપશે.
મોદીએ સ્પષ્ટ કર્યું કે, ભારત-ચીન સંબંધો પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા પર આધારિત હશે. તેમણે ચીનને તેના સફળ એસસીઓ અધ્યક્ષપદ બદલ અભિનંદન આપ્યા અને આમંત્રણ બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સહકાર અને સંવાદ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. રવિવારે તિયાનજિનમાં આયોજિત આ બેઠકમાં ભાગ લેવા માટે મોદી સાત વર્ષ પછી ચીન પહોંચ્યા છે. એસસીઓ સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાલી રહી છે. 20 થી વધુ દેશોના રાજ્ય અને સરકારના વડાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળવાના છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ