પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.): કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય રમતગમત ઉજવણી અંતગર્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમતને લગતી માહિતી, સારા વિચારો અને વિશેષ પ્રસ્તુતિઓ શેર કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ જીવનમાં રમતગમતની ભાવના અપનાવવા માટે શપથ પણ લીધા હતા.કિરણ રાજપૂત (રમતગમત શિક્ષક) ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ, દોરડા કૂદ, અવરોધ દોડ, કેળા દોડ અને બલૂન બ્લાસ્ટિંગ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વધુમાં શિક્ષકોએ મેજર ધ્યાનચંદજીના જીવન, તેમના સંઘર્ષ અને સિદ્ધિઓ અંગે માહિતગાર કરાયા હતાં અને બાળકોમાં ખેલભાવના, અનુશાસન અને તંદુરસ્ત જીવન માટે પ્રેરણા જગાડવાનો પ્રયાસ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાની વિવિધ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રાષ્ટ્રીય રમત ગમત દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya