સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)- સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (SVNIT) ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડની અનોખી દેશભક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં બિરદાવી છે.
જીતેન્દ્રસિંહ છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને આજદિન સુધીના હજારો શહીદ જવાનોની માહિતી અને તસવીરો એકત્રિત કરી રહ્યા છે. એક શહીદના પિતાના શબ્દો – દીકરો ગયો તો શું થયું, વતન તો સલામત છે ને – તેમને એટલા સ્પર્શી ગયા કે તેમણે શહીદોની યાદોને જીવંત રાખવા પોતાનું જીવન સમર્પિત કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે જીતેન્દ્રસિંહની આ પહેલ માત્ર અનોખી જ નહીં પરંતુ દરેક દેશભક્ત માટે પ્રેરણાસ્ત્રોત છે.
વડાપ્રધાન દ્વારા થયેલી પ્રશંસાથી જીતેન્દ્રસિંહ રાઠોડે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા મિત્રે ફોન કરીને જણાવ્યું કે વડાપ્રધાન ટીવી પર મારા વિશે બોલી રહ્યા છે. અડધા કલાક બાદ મેં ખાતરી કરી તો ખબર પડી કે ખરેખર વડાપ્રધાને મારું નામ લીધું છે. મારા માટે આ ગૌરવની ક્ષણ છે.
સુરતના SVNITમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહે પોતાના જીવનને શહીદોની યાદોને અર્પણ કરી એક અનોખું કાર્ય શરૂ કર્યું છે, જે હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે