સુરત, 31 ઓગસ્ટ (હિ.સ.)- મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના દર્શન માટે દર વર્ષે સુરત સહિત ગુજરાતભરના હજારો ભક્તો જાય છે. પરંતુ જે લોકો મુંબઈ જઈ શકતા નથી તેવા ભક્તો માટે સુરતના કૈલાસનગર ગરબા ચોક ખાતે સાઈ યુવક મંડળે ખાસ આયોજન કર્યું છે.
દર વર્ષે આ મંડળ સંતોષ કામલી પાસે લાલબાગના રાજાની આબેહૂબ પ્રતિમા બનાવે છે. આ વર્ષે પ્રતિમા સાથે 2018માં લાલબાગના રાજાને પહેરાવેલા પિતંબર, સાલ, કમરપટ્ટો અને જાંભલા સહિતના વસ્ત્રો પણ સુરતના એક ભક્ત દ્વારા દર્શન માટે આપવામાં આવ્યા છે.
મંડળના દર્શનભાઈએ જણાવ્યું કે આ વર્ષે બાપાની ભક્તિ સાથે રક્તદાન કેમ્પ તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે. ખાસ વાત એ છે કે અહીં ભક્તો માટે 24 કલાક બાપ્પાના દર્શન માટે દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે, જે સુરતના મોટાભાગના મંડપો કરતાં અનોખું આયોજન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે