જામનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) :
ભારત સરકાર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ બે આયુષ્માન આરોગ્ય મંદિરોને તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (National Quality Assurance Standards - NQAS) નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણા હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર જોગવડ અને આયુષ્માન આરોગ્ય મંદિર રંગપરને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી બાદ આ સન્માન પ્રાપ્ત થયું છે.
આ ચકાસણીમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ, માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ, કિશોર આરોગ્ય સંભાળ, રોગ નિદાન અને સારવાર, ઈમરજન્સી સેવાઓ, માનસિક આરોગ્ય, આયુષ અને યોગ, અને શાળા આરોગ્ય કાર્યક્રમો જેવી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ મૂલ્યાંકન દરમિયાન દર્દી-કેન્દ્રિત સેવાઓ, સ્ટાફની કામગીરી અને જરૂરી માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ સઘન પ્રક્રિયાના અંતે, આયુષ્માન આરોગ્ય મંદિર રંગપરને ૯૧% અને આયુષ્માન આરોગ્ય મંદિર જોગવડને ૯૦% ગુણ સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મળ્યું છે, જે જામનગર જિલ્લાની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓની પ્રતીતિ કરાવે છે.
આ સિદ્ધિ બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગુપ્તા, અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના મેડિકલ ઓફિસર ડો. માનસી પટેલ અને આયુષ્માન આરોગ્ય મંદિર જોગવડ અને રંગપરની સમગ્ર આરોગ્ય ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
જિલ્લાના આરોગ્ય વિભાગની આ સિદ્ધિ દર્શાવે છે કે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ટીમનો પ્રયાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે. આ સફળતાથી પ્રેરાઈને લાલપુર તાલુકાના અન્ય ૭ આયુષ્માન આરોગ્ય મંદિરો પણ હવે રાષ્ટ્રીય સ્તરના પ્રમાણપત્ર માટે તૈયારી કરી રહ્યા છે, જ્યારે ૧૬ આયુષ્માન આરોગ્ય મંદિરો રાજ્ય સ્તરના પ્રમાણપત્ર માટે સઘન મહેનત કરી રહ્યા છે. આ પ્રયાસો જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે અને નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt