સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-પોલીસ કમિશનર અનુપમસિંહની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનરકચેરીના ખાતે સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની
બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ ટ્રાફિક
નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા
અંગે પણ વિગતે ચર્ચા કરી હતી. તેમણે શહેર ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ
પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે એમ જણાવી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી
કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે
માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના
આપી હતી.
પોલીસ વિભાગના રીજીયનના અધિકારી
દ્વારા રોંગ સાઈડ, ઓવર સ્પીડ, હેલ્મેટ, ચાલુ વાહને
મોબાઈલ ફોનનો ઉપયોગ, હેવી-વ્હીકલ ડીટેઈન, જાહેરનામા ભંગ, બ્લેક ફિલ્મ, MV Act-૧૮૫, મુજબનાં કેસોની વિગતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
ઝોનલ ઓફિસરોએ કરેલ કામગીરી જેવી કે, સ્ટોપ લાઈન, ઝીબ્રા
ક્રોસિંગ, નો પાર્કિંગ, સ્પીડ
લિમીટ-પાર્કિંગના સાઈન બોર્ડ અને પીળા પટ્ટા દ્વારા કરેલી કામગીરીની સમીક્ષા કરી
વિવિધ જંક્શન પર થતાં ટ્રાફિકને હલ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા.
વધુમાં વર્ષ 2024 દરમિયાન ટ્રાફિકના
નિયમોનો ભંગ કરનાર 1232 વાહનચાલકો અને વર્ષ 2025માં આજદિન સુધી 150 વાહનચાલકોના
લાયસન્સ રદ્દ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી
હતી. જે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક
કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી
અપેક્ષા પોલીસ કમિશનરે વ્યકત કરી હતી.
આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ
ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ
પર કરવામાં આવેલી કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ટ્રાફિકના સંયુકત પોલીસ
કમિશનર રાઘવેન્દ્ર વત્સ, નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), આર.ટી.ઓ અધિકારી, મનપાના કાર્યપાલક ઈજનેર, આરોગ્ય-
ટ્રાફિક શાખાના અધિકારીઓ, કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે