સુરત, 6 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ કૈલાશ ચોકડી પાસે આવેલ ડી માર્ટ ની બાજુમાં યુનિયન બેન્કમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. યુવકે 25000 રૂપિયા ઉપાડી હાથમાં રાખ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા અને યુવકને વાતોમાં ભોળવી પોતાની પાસે રૂમાલમાં પૈસાનું બંડલ હોવાનું કહીને કાગળોનો બંડલ યુવક પાસે પકડાવી દઈ તેમની પાસેથી રૂપિયા 25000 પડાવી લઈ બંને ફરાર થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવકે બાદમાં પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને યુવકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
બનાવની વિગત એવી છે કે પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર મહાદેવ નગરમાં રહેતા વિજયકુમાર વસંતલાલ બિંદ એમ્બ્રોડરી મશીન માં કામ કરે છે. ગત તારીખ 3-1-2025 ના રોજ સવારે 11.30 થી 12.30 વાગ્યાના સમયગાળા દરમિયાન વિજયકુમાર પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડી પાસે આવેલ ડી માર્ટ ની બાજુમાં આવેલ યુનિયન બેન્કમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. તેમણે યુનિયન બેન્કમાંથી રૂપિયા 25000 ઉપાડી લીધા બાદ ત્યાં ઉભો હતો ત્યારે બે અજાણ્યા ચોરી સમો તેની પાસે આવ્યા હતા અને વિજયકુમાર ને વાતોમાં ભોળવી તેમની પાસેનો રૂપિયા 25000 રોકડા પચાવી પાડ્યા હતા. આ દરમિયાન બે યુવકો પૈકી એક વ્યક્તિએ પોતાની પાસે રૂમાલમાં પૈસાનું બંડલ હોવાનું કહીને કાગળોનું બંડલ પકડાવી દીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જોકે બાદમાં વિજય કુમારે રૂમાલ ખોલી ચેક કરતા તેમાં કાગળોનું બંડલ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા વિજય કુમારે આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે રાજકુમાર નંદકિશોર પાસવાન (રહે.નવસારી રેલ્વે સ્ટેશન, નવસારી) (મૂળ રહે. બિહાર) અને રવિકુમાર વીરેન્દ્ર પાસવાન (રહે.નવસારી રેલ્વે સ્ટેશન, નવસારી) (મૂળ રહે. બિહાર)ને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી રોકડા રૂપિયા 10 હજાર તથા 15 એટીએમ કાર્ડ ઝડપી પાડ્યા છે.
પોલીસે રાજકુમાર પાસવાન અને રવિન્દ્રકુમાર પાસવાનની ઘરપકડ બાદ તેમની પૂછપરછ કરતા તેઓએ સુરત શહેરમાં થોડા સમયની અંદર જ અલગ અલગ વિસ્તારોમાં કુલ છ ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. જેમાં હાઉસિંગ વિસ્તારમાં એસબીઆઈ એટીએમ પાસે 25000, તથા હાઉસિંગ વિસ્તારમાં બીઓબી બેન્ક પાસે 10,000 ભેસ્તાન ચાર રસ્તા પાસે 16000, ઉધના બેન્ક ઓફ બરોડા 25,000, ઇચ્છાપોર મોરા ગામ ખાતે 8000 અને ભેસ્તાન એટીએમ એસબીઆઇ ખાતે 17000 રૂપિયાની આ જ પ્રકારે ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. પોલીસ દ્વારા રાજકુમાર પાસવાન અને રવિ કુમાર પાસવાનની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેમાં રાજકુમાર નંદકિશોર પાસવાન સામે અગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં કચ્છ પશ્ચિમ ભુજમાં બે અલગ અલગ ગુનામાં તેની સામે નોંધાયેલા છે અને તેમાં તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે.
પોલીસ પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખાસ કરીને મજૂર વર્ગની નિશાન બનાવતા હતા કારણ કે તેઓને એટીએમ માંથી પૈસા વિડ્રોલ કરતા આવડતું ન હોય અથવા તેઓમાંથી પૈસા ઉપાડતા ન હોય તેવા લોકો પાસે જઈ તેમનો એટીએમ કાર્ડ મેળવી લેતા હતા અને બાદમાં એટીએમ કાર્ડ બદલી નાખી તેના પાસવર્ડ જાણી લેતા હતા અને બાદમાં પૈસા ઉપાડી લેતા હતા. કેટલાક કિસ્સાઓમાં મજૂરો બેન્કમાં પૈસા જમા કરાવવા આવતા અન્ય મજૂર વર્ગને પણ તેઓ નિશાન બનાવતા હતા અને વધુ પૈસા આપવાની લાલચ આપી કાગળના બંડલની ગડ્ડી પકડાવી દેતા હતા. જેમાં ઉપરની એક નોટ ઓરિજનલ હતી હોય છે અને બાકીની નોટ ડુપ્લીકેટ હોય છે. આ પ્રકારે પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે