અરવલ્લીઃબાયડ નગર પાલિકામાં જન્મના દાખલા લેવા જતા નાગરિકોને ધક્કા કચેરી જેવો અનુભવ થયાની લોક ફરિયાદ
મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.) બાયડ નગરપાલિકામાં જન્મનો દાખલો લેવા આવતા લોકોને કડવા અનુભવ થયાનો અને સવારે સાત વાગ્યાથી નગરપાલિકા કચેરીએ પહોંચી ગયેલા લોકોને લિસ્ટ બનાવી આજે તો માત્ર 50 લોકોને જ દાખલા મળશે તેમ જણાવી ધરમ ધક્કા ખવડાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડ
અરવલ્લીઃબાયડ નગર પાલિકામાં જન્મના દાખલા લેવા જતા નાગરિકોને ધક્કા કચેરી જેવો અનુભવ થયાની લોક ફરિયાદ


મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)

બાયડ નગરપાલિકામાં જન્મનો દાખલો લેવા આવતા લોકોને કડવા અનુભવ થયાનો અને સવારે સાત વાગ્યાથી નગરપાલિકા કચેરીએ પહોંચી ગયેલા લોકોને લિસ્ટ બનાવી આજે તો માત્ર 50 લોકોને જ દાખલા મળશે તેમ જણાવી ધરમ ધક્કા ખવડાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે અને બાયડ નગરપાલિકાના વહીવટ સામે પ્રશ્નો ઊભા થયા છે...

છેલ્લા ઘણા વર્ષોથી બાયડ તાલુકા મથક આરોગ્ય હબ તરીકે વિકસતું જાય છે બાયડ નગરમાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે. જેથી બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી અને નજીકના જીલ્લાના કપડવંજ, વીરપુર, બાલાસિનોર, માલપુર, ધનસુરા તાલુકામાંથી પણ લોકો આરોગ્ય સેવાઓ મેળવવા બાયડ આવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સરકારના પ્રવર્તમાન નિયમો પ્રમાણે જે હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય ત્યાંની સ્થાનિક કચેરીએ જે તે હોસ્પિટલ દ્વારા નવા જન્મેલાની યાદી મોકલવાની હોય છે. જેના કારણે બાયડ નગરની હોસ્પિટલમાં જન્મતા બાળકોની જન્મ નોંધણી બાયડ નગરપાલિકામાં થતી હોય છે. ત્યાંથી લોકોને જન્મના દાખલા મેળવવા પડતા હોય છે.

બાયડ નગરથી વિરપુર 40 કિ.મી.ના અંતરે ,બાલાસિનોર 47 કિ.મી., કપડવંજ 40 કિ.મી.,ધનસુરા 20 કિ.મી., માલપુર 45 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા અરજદારો વહેલી સવારે સાત વાગે બાયડ નગરપાલિકા કચેરી આગળ પહોંચી જતા હોય છે તેઓ ભૂખ્યા તરસ્યા સવારના ત્યાં લાઈનમાં ઊભા હોય છે ત્યારે દસ વાગ્યા પછી પધારતા સરકારી બાબુઓ આવેલા અરજદારોનું લિસ્ટ બનાવી એક દિવસમાં માત્ર 50 જ લોકોને જન્મના દાખલા મળશે તેમ જણાવી દેતા હોય છે જેથી લોકોને ધરમ ધક્કા જેવો કડવો અનુભવ થતો હોય છે. ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટદારોએ લોકોને પડતી આ મુશ્કેલીઓ બાબતે નગરપાલિકામાં વ્યવસ્થિત તંત્ર ગોઠવી લોકોને ધરમ ધક્કા ના ખાવા પડે તેની કાળજી લેવી જોઈએ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જણાવ્યા મુજબ બાયડ નગરપાલિકાના મકાન નીચે જ્યાં અરજદારો લાઈન લગાવીને ઉભા હોય છે ત્યાં કેટલાક લેભાગુ એજન્ટો લોકો પાસે એક ફોર્મના ૨૦ થી ૩૦ રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને વાયરલ થયેલા વીડિયોમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો તમે નૈવેદ્ય ધરાવો તો ડાયરેક્ટ દાખલો મળી જાય છે.... 50 - 50 કિલોમીટરના અંતરેથી આવતા અરજદારોને જો આ રીતે જન્મના દાખલા માટે તકલીફ પડતી હોય અને રોજ ધક્કા ખાવા પડતા હોય તો સુશાસનના બણગાં ફુંકતી ભાજપ સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય...

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande