વડોદરા, 7 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસનો એક નવો કેસ પોઝિટિવ આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે. 8 મહિનાનું એક બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું છે અને હાલ તેનું વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 મહિનામાં કુલ 27 બાળકો ચાંદીપુરા વાયરસથી પીડિત થઈ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આશ્ચર્યજનક રીતે અત્યાર સુધીમાં આ વાયરસને કારણે 17 બાળકોના દુઃખદ મોત થયાનું સામે આવ્યું છે. ખાસ કરીને પંચમહાલ અને ગોધરા વિસ્તારમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે, જે વિસ્તારો હવે ચાંદીપુરા હોટસ્પોટ તરીકે ઓળખાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવી સીમાવર્તી રાજ્યોમાંથી પણ આ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે, જેમાંથી મધ્યપ્રદેશથી આવતાં એક બાળકને પણ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.
ચાંદીપુરા વાયરસ મથકમાંથી પેદા થતો અને રક્ત દ્વારા પ્રસાર થતો વાયરસ છે, જે નર્વસ સિસ્ટમને અસર કરે છે અને ખાસ કરીને નાના બાળકોમાં ગંભીર અસરો સર્જી શકે છે. તાવ, ઉલટી, બેહોશ થવું, ખંજવાળ અને માંસપેશીઓમાં દુખાવા જેવા લક્ષણો જણાય છે. તંત્ર દ્વારા ગામડી વિસ્તારોમાં તબીબી ટીમો મોકલાઈ રહી છે અને સઘન સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.
હેલ્થ વિભાગે લોકોને સાવચેતી રાખવા, બાળકોના તાવ અને લક્ષણો જોતા તાત્કાલિક સારવાર લેવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya