જામનગરના ખીજડિયામાં, હૃદયમાં જન્મજાત કાણું ધરાવતાં 2 વર્ષના બાળકને મળ્યું નવજીવન
જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના ખીજડિયા ગામના એક ગરીબ શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ વિનામૂલ્યે મળેલ સારવાર અને હૃદયના સફળ ઓપરેશનને કારણે નવજીવન મળ્યું છે. ​જામનગર તાલુકાના મોટી બાણુગર પ્રાથમ
નવજીવન


જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના ખીજડિયા ગામના એક ગરીબ શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ વિનામૂલ્યે મળેલ સારવાર અને હૃદયના સફળ ઓપરેશનને કારણે નવજીવન મળ્યું છે.

​જામનગર તાલુકાના મોટી બાણુગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ખીજડિયા ગામમાં મજૂરી કામ કરતા મહેશભાઈ શિપરિયાના ઘરે 9-4-2023ના રોજ રોનકનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકનું વજન સામાન્ય હતું, પરંતુ સમય જતાં તે વારંવાર બીમાર પડવા લાગ્યો અને તેનું વજન પણ ઘટતું જતું હતું.​

આ પરિસ્થિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરતી RBSK ટીમના ડૉ.આસીફ ભટ્ટી અને ડૉ.પ્રિયંકા રાબડીયાએ બાળકની ગૃહ મુલાકાત દરમિયાન આ લક્ષણો જોયા. તેમણે પરિવારને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં તપાસ કરાવવાની સલાહ આપી, પરંતુ પરિવાર કોઈને કોઈ કારણોસર તપાસ કરાવવામાં વિલંબ કરતો હતો.​

આખરે, 19-02-2025ના રોજ જ્યારે આરોગ્ય ટીમ ફરીથી બાળકની મુલાકાતે ગઈ, ત્યારે તેની તબિયત વધુ ગંભીર જણાતાં ટીમે પરિવારને તાત્કાલિક હોસ્પિટલ જવાની સમજાવટ કરી અને સંદર્ભ કાર્ડ સાથે બાળકને જી.જી. હોસ્પિટલ રીફર કર્યો હતો.

​જી.જી. હોસ્પિટલ દ્વારા બાળકનો ECG, 2D-ECHO અને બ્લડનો રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં રોનકને Congenital Heart Disease (CHD) એટલે કે હૃદયમાં જન્મજાત કાણું હોવાનું નિદાન થયું. આ સમાચારથી પરિવાર ચિંતિત થઈ ગયો, પરંતુ જી.જી. હોસ્પિટલ અને RBSKની ટીમે તેમને હિંમત આપી અને વધુ સારી સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે રીફર કર્યો.

​યુ.એન.મહેતા હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમે 3-4-2025ના રોજ બાળક રોનકનું સફળ ઓપરેશન કર્યું. આ ઓપરેશન બાદ 8 દિવસની સારવાર પછી બાળકને રજા આપવામાં આવી. હાલમાં રોનક સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યો છે.

​આ સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન રાજ્ય સરકારના RBSK કાર્યક્રમ હેઠળ તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. રોનકના માતા-પિતાએ ડૉક્ટરો અને આરોગ્ય તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ ઘટના દર્શાવે છે કે ગુજરાત સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખરેખર અસરકારક સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande