જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જોડિયા તાલુકાની હુનર શાળામાં બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારી પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના બાળલિંગ ગુણોત્તરને સુધારવો, દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને અટકાવવો અને દીકરીઓને શિક્ષણ તથા સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરવા સહિતના મુખ્ય હેતુઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ દ્વારા દીકરીઓને સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો, તેમના અસ્તિત્વ અને સુરક્ષા પર ભાર મૂકવાનો, અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને સરકારી યોજનાઓ, મહિલાઓ માટે ચાલતા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પો, અને દીકરીઓના જીવનમાં શિક્ષણના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. DHEWના GS હેતલબેન ચાવડાએ માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી રંજનબેને ગુડ ટચ-બેડ ટચ વિશે અને કવિતાબેને પોક્સો (POCSO) કાયદા વિશે માહિતી આપી હતી. જિલ્લા કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેને બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો વિશે વિગતવાર જાણકારી આપી હતી. તેમણે દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અંતે, હુનર શાળાના આચાર્ય ક્રિષ્નાબાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને હાજર રહેલી દરેક વિદ્યાર્થીનીને હાઇજીન કીટ અને અન્ય માહિતીસભર સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન, હુનર શાળાના આચાર્ય ક્રિષ્નાબા, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર હિતેશભાઈ, હુનર શાળાના ટ્રસ્ટી અશોકભાઈ, તથા DHEW, OSC અને VMKના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT