અમરેલી, 7 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનોના વધતા આતંક વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર બનાવનું જીવંત સીસીટીવી ફૂટેજ સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ ઘટના જશવંતગઢથી રાંઢીયા તરફ જતાં માર્ગ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરીના નજીકની છે, જ્યાં પરપ્રાંતી પરિવારનો 2 વર્ષનો નાનકડો બાળક રખડતા શ્વાનનો શિકાર બન્યો હતો. મળતી માહિતી અનુસાર, પરિવારના સભ્યો નજીકમાં કામકાજમાં વ્યસ્ત હતા અને બાળક રમતો રમતો આગળ વધ્યો હતો. અચાનક એક રખડતા શ્વાનએ બાળક પર હુમલો કર્યો અને બાળકને બચકું ભરી ઉઠાવી ગયો.
ઘટનાસ્થળે નજીક હાજર બાળકના પિતા આ ભયંકર દૃશ્ય જોઈ ભયભીત થયા વિના પાવડાના હાથા સાથે દોડી આવ્યા અને શ્વાન પાછળ પડ્યા. પિતા પાસે આવી જતાં શ્વાને બાળકને જમીન પર છોડી દઈ પલાયન કર્યું. બાળકે રડવાનું શરૂ કર્યું અને સમગ્ર ઘટના થોડી જ પળોમાં બની ગઈ.
ઘટનાની જાણ થતાં તરત જ બાળકને નજીકની ચિતલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું.બાળકને ગંભીર ઈજા થઈ નહીં પરંતુ તેને મોટો આઘાત લાગ્યો છે. પરિવાર પર દુઃખદ મંઝર વીતી ગયો પરંતુ પિતાની તકેદારી અને સાહસિકતાથી બાળકને મોતના મુખમાંથી બચાવી લેવાયો.
આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાંથી શ્વાનના હિંસક વ્યવહારની પુષ્ટિ થઈ છે અને શહેરમાં આવી રખડતી શ્વાનોને લઈને પુનઃ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકોએ તંત્રને રખડતા શ્વાનો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે.
આવું કોઈ બાળક ફરીથી શ્વાનનો શિકાર ન બને તે માટે પાલિકા કે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાશે એવી લોકોમાં આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai