જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.): જામનગર શહેરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં ઝઘડો કરવાની ના પાડતા યુવાન ઉપર ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી તલવાર વડે હુમલો કર્યો હતો. અન્ય યુવાનને માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતો અને મજૂરીકામ કરતો ફારૂકભાઇ હનિફભાઇ ચાવડા (ઉ.વ.37) નામનો યુવાન ગત્ તા. 02ના રોજ રાત્રિના સમયે તેના વિસ્તારના હુસેની ચોક પાસે ગયો હતો. ત્યારે સુલ્તાન અનવર સમેજા, કબીર જાફર સમેજા, ફારૂક દાઉદ સમેજા, સિકંદર અનવર સમેજા નામના ચાર શખ્સો આરીફ સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હતા. તેથી ફારૂકએ ઝઘડો કરવાની ના પાડતાં સુલ્તાન અને ફારૂક સમેજાએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. કબીર સમેજાએ તલવારનો ઘા ઝિંકી ઈજા પહોંચાડી હતી. સિકંદરે પણ ઢીકાપાટુનો માર મારતાં આરિફ ફારૂકભાઇને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એચ. એમ. જાડેજા તથા સ્ટાફએ ચાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT