ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) નાગરિકોમાં દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અને “તિરંગા યાત્રા” યોજાશે. જેના ભાગરૂપે પ્રાંત ઓફિસ, વેરાવળ ખાતે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
કલેકટરએ “હર ઘર તિરંગા” અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તેવું સુદ્રઢ આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.
કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, 'હર ઘર તિરંગા'ની ઉજવણીમાં જિલ્લાની મુખ્ય બજારોના દુકાનદારો પણ ભાગ લે અને પોતાની દુકાનો પર ત્રિરંગો ફરકાવી રાષ્ટ્રીય પર્વમાં પોતાની સહભાગીતા અચૂક નોંધાવે તેવો અનુરોધ કરતાં કલેકટરશ્રીએ આ અભિયાનની ઉજવણી અંતર્ગત ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં.
કલેક્ટરએ રાષ્ટ્રાભિમાનના આ અવસરમાં જિલ્લાના સૌ નાગરિકો જોડાઈ અને દેશના ગર્વમાં સહભાગી બને તે માટે જિલ્લામાં યોજાનાર તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, તિરંગા યાત્રા સાથે સ્વચ્છતાનું પણ કેમ્પેઈન અગ્રેસર બની ચલાવવામાં આવશે. આ રીતે સ્વચ્છતા સાથે રાષ્ટ્રીય પર્વની જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં, તા. ૦૨ થી ૦૮ ઓગસ્ટ દરમિયાનના પ્રથમ તબક્કામાં વોલ પેઇન્ટિંગ, પત્ર લેખન, નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. તા. ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન બીજા તબક્કામાં સમુદાયિક સફાઈ ઝુંબેશ યોજાશે. જ્યારે તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટના ત્રીજા તબક્કામાં સ્વચ્છતા સંવાદ, તિરંગા યાત્રા અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ સહિત અગ્રણી સંજય પરમાર, જયદેવ જાની ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ