ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃત ભાષા ભારતની ઋષિ-પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાની જીવંત અભિવ્યક્તિ રજૂ કરે છે. રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ઉપલક્ષ્યમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સપ્તાહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તેમજ સંસ્કૃત સંભાષણ વર્ગોનો સમાપન સમારોહ યોજાયો હતો.
સંસ્કૃત ભાષાના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, અથર્વવેદ, યજુર્વેદ સહિત આપણા વેદ અને પુરાણોએ સંસ્કૃત ભાષાને સાચવી રાખી છે. આ જ સંસ્કૃત ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન સંસ્કૃતિ યુનિવર્સિટી સારી રીતે આગળ વધારી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતના કર્ણાટકનું મુત્તુર(માતુર) ગામ તથા ઉત્તરપ્રદેશનું જિરહી ગામ વર્તમાન જીવનમાં રોજ-બરોજનો વાર્તાલાપ સંસ્કૃત ભાષામાં કરે છે. એ જ રીતે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો પણ વાર્તાલાપ કરતાં થાય એવો પ્રયાસ છે. સંસ્કૃત યુનિવર્સિટીના પ્રયત્નો થકી ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો સંસ્કૃતમાં રુચિ કેળવતા થયા છે અને સંસ્કૃત ભાષાનું ગૌરવ વધુ ઉન્નત થાય એ દિશામાં યુનિવર્સિટીની કાર્ય કરી રહી છે. જે પ્રયત્ન આવકારવાદાયક છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નાટક સહિતની અનેકવિધ સાંસ્કૃતિક કૃતિઓ સંસ્કૃત ભાષામાં જ રજૂ કરી હતી. જેને ઉપસ્થિત સર્વેએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.
વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીએ વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિઓને બીરદાવી હતી અને સંસ્કૃત સંભાષણ વર્ગ સહિતની કામગીરી કરી સંસ્કૃત ભાષાના સંવર્ધનને આગળ વધારવા માટે યુનિવર્સિટીના પ્રયત્નોને બિરદાવ્યા હતાં.
ઈન્ચાર્જ કુલપતિ નરેન્દ્ર પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય તેમજ વહીવટી તંત્રના સંસ્કૃત સંવર્ધનના પ્રયાસ તેમજ સંસ્કૃત સપ્તાહના ઉદ્દેશ્યને સાકાર કરવા અને સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરવું આજના સમયની તાતી જરૂરીયાત છે. સંસ્કૃત સપ્તાહ થકી અનેકવિધ કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેના મહત્વથી પરિચિત કરવાનો ઉદ્દેશ છે.
વધુમાં તેમણે સંસ્કૃત ગૌરવ યાત્રાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈઓ આપી છે. આમ કહી સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રૂપ આપનાર તમામના પ્રયાસોને બીરદાવ્યાં હતાં.
આ તકે, કલેકટર એન.વી.ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ સંસ્કૃત પ્રદર્શનની નિહાળી હતી જ્યાં સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ સંસ્કૃત ભાષામાં જ સમગ્ર પ્રદર્શનની વિશે કલેકટરશ્રીને વિસ્તૃતરૂપે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંસ્કૃત ભારતી, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે તા.૩૧/૦૭/૨૦૨૫થી તા.૦૩/૦૮/૨૦૨૫ દરમિયાન ૨૩ જેટલા સંસ્કૃત સંભાષણ વર્ગો યોજાયા હતાં, જેમાં અંદાજીત ૧,૦૦૦ લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સંસ્કૃત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. મહેશકુમાર મેત્રા, સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાદ્યાપકઓ અને ઋષિકુમારો સહિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ