સખી મંડળે ખોલ્યા સમૃદ્ધિના દ્વાર વિસાવદર તાલુકાના જાંબાળા ગામના એક સાધારણ મહિલાની અસાધારણ સફળતા
જૂનાગઢ 7 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ મુશ્કેલીનો સમયે યોગ્ય માર્ગદર્શન અને સરકારનો સાથ મળે તથા મેહેનત કરી આગળ વધવાની તમન્ના હોય તો એક સાધારણ મહિલા કેવું અસાધારણ કાર્ય કરી શકે તે જૂનાગઢના વિસાવદર તાલુકાના જાંબાળા ગામના હેલતબહેન ઠુંમરે સાબિત કર્યું છે. એક સ
સખી મંડળે ખોલ્યા સમૃદ્ધિના દ્વાર વિસાવદર તાલુકાના જાંબાળા ગામના એક સાધારણ મહિલાની અસાધારણ સફળતા


જૂનાગઢ 7 ઓગસ્ટ (હિ.સ.)

જૂનાગઢ મુશ્કેલીનો સમયે યોગ્ય માર્ગદર્શન અને સરકારનો સાથ મળે તથા મેહેનત કરી આગળ વધવાની તમન્ના હોય તો એક સાધારણ મહિલા કેવું અસાધારણ કાર્ય કરી શકે તે જૂનાગઢના વિસાવદર તાલુકાના જાંબાળા ગામના હેલતબહેન ઠુંમરે સાબિત કર્યું છે. એક સાધારણ ગૃહિણી હેતલબેન આજે આત્મનિર્ભરતાનું ઉજ્જવળ ઉદાહરણ બની ગયાં છે. એક સમયે ઘરકામ સુધી સીમિત હેતલબેને વ્રજ મંગલમ જૂથના સથવારે પંચગવ્ય આધારિત ઉત્પાદનો દ્વારા ન માત્ર આર્થિક સ્વાવલંબન હાંસલ કર્યું છે, પરંતુ વાર્ષિક ૧૭ લાખ રૂપિયાની કમાણી કરીને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યાં છે.

હેતલબેન ઠુંમર પોતાના ગામમાં ૨૦૧૯ સુધી બ્યુટી પાર્લર ચલાવતા હતા. પરંતુ કોરોના પછી એમનુ પાર્લર બંધ થઈ ગયું. મિશન મંગલમ્ અંતર્ગત સખી મંડળની મીટીંગ યોજાઈ હતી. જેમાં હેતલબેહન જોડાયા અને ત્યારથી એક સાધારણ મહિલાની અસાધારણ સફળતાગાથા શરૂ થઈ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્યાન શક્તિ એટલે કે ગરીબ, યુવાન, અન્નદાતા કિસાન અને નારી શક્તિના સશક્તીકરણના આધારે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૩થી શરૂ થયેલી લખપતિ દીદી યોજના આજે અનેક મહિલાઓની આર્થિક ઉન્નતીનું માધ્યમ બની છે. લખપતિ દીદી યોજના સ્વ સહાય જૂથો સાથે સંકળાયેલી ગ્રામીણ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ બને છે જેથી તેમની વાર્ષિક આવક એક લાખ કે તેથી વધુ થઈ શકે છે. આ યોજનાનું શ્રેષ્ઠ દેષ્ટાંત હેતલબેન ઠુંમર છે.

હેતલબેન શરૂઆતના તબક્કામાં ૧૦ બહેનો ભેગા મળી ધૂપ કપ, અગરબતી બનાવતા હતા. ત્યારબાદ રાજકોટમાં એક ખાનગી મેળામાં પ્રથમ વખત સ્ટોલ રાખ્યો હતો. જેમાં રોજનું ૩૦થી ૪૦ હજારનું વેચાણ થતું હતું. ત્યારબાદ અગરબત્તી બનાવવાનું મશીન લીધું પહેલા હાથેથી અગરબત્તી બનાવતા હતા. ધીમે ધીમે સાબુ, ગણપતિ મૂર્તી, હેરઓઈલ, દંતમંજન સહિતની ૨૦ જેટલી વસ્તુઓ બનાવી રહ્યા છે.

હેતલબેન પોતાની વાત કરતા જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત સરસ મેળાઓમાં સ્ટોલ રાખી પ્રોડક્ટનું વેચાણ કરવાનું શરૂ કર્યુ હતુ. અમે જૂનાગઢ, મોરબી, કચ્છના સફેદ રણ ખાતે આયોજિત સરસ મેળામાં સ્ટોલમાં રાખી અમારી પ્રોડક્ટનું સારું એવું વેચાણ થયું હતું. ત્યાંથી અમારી પ્રોડક્ટની ખરીદી કરનારા ગ્રાહક આજે પણ કુરિયરથી અમારો સામાન મંગાવી રહ્યા છે એ અમારા પ્રોડક્ટની વિશ્વસનિયતા અને મહેનતનું પરિણામ છે.

હેતલબેન કહે છે કે, પાંચ વર્ષની સખત મહેનત કરી ત્યારે હવે આ દરેક પ્રોડક્ટ સફળ બની છે. હેતલબેન અને તેમના પતિ શ્રી કૈલાશભાઈ ગૌશાળાનું પણ સંચાલન કરે છે. હાલ તેમની પાસે ૧૦ જેટલી ગાય છે. હેતલબેન ગીર ગાયના પંચગવ્ય ઉત્પાદન થકી વાર્ષિક ૧૫-૧૭ લાખની કમાણી કરે છે. તેઓ માને છે કે ગૌ માતાના પંચગવ્યથી બનેલ પ્રોડક્ટથી આર્થિક ઉપાર્જન તો સારું થાય જ છે પરંતુ અમને એ વાતનો સંતોષ છે કે અમે ગાયની સેવા પણ કરીએ છીએ. આ પંચગવ્યની પ્રોડક્ટ વાપરવાથી વાતાવરણ અને પર્યાવરણ પણ શુદ્ધ બને છે. અને સ્વાસ્થયને કોઈ પણ નુકસાન પહોંચતુ નથી.

હેતલબેન કહે છે કે, સખી મંડળમાં જોડાયા બાદ આજે લોકો મને ઓળખતા થયા છે, લોકો અમારી મુલાકાતે પણ આવે છે. હેતલબહેન અન્ય મહિલાઓને પણ ‌સખી મંડળમાં જોડાવા તેમજ આત્મનિર્ભર બનવા માર્ગદર્શન અને પ્રેરણા આપી રહ્યા છે. હેતલબેનને રાષ્ટ્ર માટેની પણ ઉદાત ભાવના રહેલી છે તેઓ દર વર્ષે સૈનિકો માટે ગોબરમાંથી બનેલી રાખડીઓ પણ મોકલે છે.

હેતલબેનની આ સફર દર્શાવે છે કે નાના ગામની મહિલાઓ પણ સરકારના સાથ અને પોતાની મહેનતના બળે મોટા સપનાઓને સાકાર કરી શકે છે. હેતલબેનની આ સફળતા એક સખી મંડળની શક્તિનું જીવંત ઉદાહરણ છે, જેણે સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે.

તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે હેતલબેન ઠુંમરનું સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande