અમરેલી જિલ્લાના કેદારીયા મહાદેવ મંદિર: પ્રાચીનતા, પ્રકૃતિ અને પરમાત્માનો સંગમ
અમરેલી , 7 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલું કેદારીયા મહાદેવ મંદિર આસપાસના વિસ્તારમાં પૌરાણિક શ્રદ્ધાનું અને કુદરતી સૌંદર્યનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર માત્ર ધાર્મિક મહત્તા ધરાવતું સ્થળ નથી, પરંતુ ત
અમરેલી જિલ્લાના કેદારીયા મહાદેવ મંદિર: પ્રાચીનતા, પ્રકૃતિ અને પરમાત્માનો સંગમ


અમરેલી , 7 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલું કેદારીયા મહાદેવ મંદિર આસપાસના વિસ્તારમાં પૌરાણિક શ્રદ્ધાનું અને કુદરતી સૌંદર્યનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર માત્ર ધાર્મિક મહત્તા ધરાવતું સ્થળ નથી, પરંતુ તેની આસપાસની નદી, વોટરફોલ અને જંગલ ક્ષેત્રના કારણે પ્રાકૃતિક પ્રવાસન માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

કેદારીયા મહાદેવ મંદિર લગભગ 100 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. ગામના વડીલોના કહેવા અનુસાર, આ મંદિરનું સ્થાપન પરમ પારંપારિક રીતો અનુસાર થયું હતું. અહીં ભગવાન શિવ ત્રણ શિવલિંગ સ્વરૂપે ગર્ભગૃહમાં ઉપસ્થિત છે, જે લોકોમાં વિશેષ આસ્થા અને ચમત્કારની લાગણી જગાવે છે. એક જ ગર્ભગૃહમાં ત્રણ શિવલિંગ હોવું અત્યંત દુર્લભ માનવામાં આવે છે અને એ મંદિરમાં આવનારા ભક્તો માટે આ એક અદ્ભુત અનુભૂતિ આપે છે.

મંદિર નદીના કિનારે વસેલું છે. આ નદી પર આવેલો પ્રાકૃતિક વોટરફોલ અહીંની વિશેષ ઓળખ છે. વરસાદી ઋતુમાં આ વોટરફોલ પ્રવાહમય થઈ જતો હોય છે, જેના દર્શન કરવા માટે અનેક પ્રવાસીઓ, સ્થાનિકો અને યાત્રાળુઓ અહીંનું રુખ કરે છે. નદીનું ઠંડું અને સ્વચ્છ પાણી, આસપાસનો જંગલ વિસ્તાર અને શાંત વાતાવરણ સમગ્ર સ્થળને આધ્યાત્મિક શાંતિ આપે છે.

વિશાલભાઈ સોલંકી, જેમના મૂળ રહેઠાણ સાવરકુંડલામાં છે, તેઓ પોતાના પરિવાર સાથે કેદારીયા મહાદેવના દર્શન માટે આવ્યા હતા. તેમનું કહેવું છે કે, આ મંદિર અત્યંત પવિત્ર લાગણી આપે છે. નદી કાંઠે વસ્ત્ર બદલીને નાહવાનું પણ લોકો માટે આધ્યાત્મિક અનુભૂતિ આપે છે. તેમને જણાવ્યું કે દરરોજ અહીં ઓછામાં ઓછા 50 લોકો આવતા હોય છે – જેમાં આસપાસના ગામડાંના લોકો, કુટુંબ સાથે આવેલ પ્રવાસીઓ અને ધર્મપ્રેમી ભક્તોનો સમાવેશ થાય છે.

કેદારીયા મહાદેવ મંદિર પોતે જ શાંતિપ્રદ ધરતી છે, પરંતુ તેની આસપાસની કુદરત પણ તેને પ્રવાસન માટે શ્રેષ્ઠ બનાવે છે. અહીં આવેલા વોટરફોલનો સંગાથ, નદીમાં થતી વહેણની મધુર ધ્વનિ અને શિવભક્તિનું પવિત્ર વાતાવરણ – આ બધું મળીને આ સ્થળને ઉત્તમ ‘વેક્શન સ્પોટ’ બનાવે છે, ખાસ કરીને ચોમાસાના સમયમાં જ્યારે અહીંનું સૌંદર્ય ચારગું વઘે છે.

આવતા વર્ષોમાં જો આ સ્થળનો વિકાસ યોગ્ય રીતે કરવામાં આવે – રસ્તા, સૂચનફળકો, આરામગૃહ, ધર્મશાળા, પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવે – તો કેદારીયા મહાદેવ મંદિરના દર્શન માટે રાજ્યભરમાંથી હજારો ભક્તો અને પ્રવાસીઓનું આકર્ષણ વધી શકે છે. લોકલ ગ્રામજનો અને યાત્રાળુઓ પણ ઈચ્છે છે કે સરકાર આ સ્થળને ધાર્મિક-પ્રાકૃતિક તીર્થ તરીકે વિકસાવે.

કેદારીયા મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ શ્રદ્ધા, શાંતિ અને કુદરતનો સમન્વય છે. આ સ્થળ પરવાર સાથે એક દિવસની યાત્રા માટે કે પછી આધ્યાત્મિક શાંતિ માટે શ્રેષ્ઠ સ્થાન છે. આજે જ્યારે લોકો પ્રકૃતિથી દૂર થઈ રહ્યા છે, ત્યારે આવા સ્થળો આપણને ફરીથી ધરતી અને દેવતાની નજીક લાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande