જૂનાગઢ 7 ઓગસ્ટ (હિ.સ.): જૂનાગઢ પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન કરવામાં આવે છે. જમીનની ઉપરની સપાટીને ઢાંકવાને આચ્છાદન (મલ્ચીંગ) કહેવામાં આવે છે. જેનાથી સુક્ષ્મ વાતાવરણનું નિર્માણ થાય છે તથા દેશી અળસીયા ઉપરની સપાટી ઉપર આવી હગાર (કાસ્ટ) કાઢે છે. જેથી જમીનમાં જીવ દ્રવ્યનું નિર્માણ થાય છે. એટલે કે જમીન મુલાયમ અને ફળદ્રુપ બને છે. આ માટીમાં દરેક પ્રકારના જીવાણુંઓની સંખ્યા તુરંત વધે છે. આ જીવાણુઓને ગરમી, ઠંડી, અતિવૃષ્ટિ, વાવાઝોડું અને અન્ય ખતરાથી બચાવવા માટે આચ્છાદાનની જરૂરિયાત રહે છે. જેટલી જમીનને ઢાંકીને રાખશો, તેટલો જ તેનો સેન્દ્રીય કાર્બન વધશે. ખાસ ધ્યાન રાખીએ કે આપણે પાકના અવશેષોને ખેતરમાં સળગાવવાના નથી તેનાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂત માટે ઉપયોગી તેવા મિત્ર કીટકો નાશ પામે છે તેથી આ પાક અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવા માટે વાપરવા જોઈએ આ આ સાધનના ઘણા ફાયદાઓ છે.
વૈજ્ઞાનિકો પણ એ વાતને સ્વીકારે કે જ્યારે ધરતીનું તાપમાન ૩૫ ડિગ્રી કે તેનાથી વધી જાય છે ત્યારે જમીનનો સેન્દ્રીય કાર્બન હવામાં ઉડવાનો શરૂ થઈ જાય છે. જે વાતાવરણમાં જઈને વાયુ પ્રદુષણ કરે તેનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. જો આપણે જમીનને ઢાંકીને રાખીશું તો તેનો સેન્દ્રીય કાર્બન ઉડશે નહીં પરંતુ જમીનની ઉત્પાદન શક્તિ માં વધારો થશે. માટીના બે કણો વચ્ચે ૫૦% ભેજ અને ૫૦% વાયુ હોય છે. આ આચ્છાદન વાપ્સા નિર્માણ કરે છે. તેમજ જમીનમાં હ્યુમસ નિર્માણ કરે છે. એક કિલો હ્યુમસ વાતાવરણમાંથી ૫ થી ૬ લીટર પાણીને ખેંચીને છોડને ભેજના રૂપમાં આપે છે. ખેડૂત મિત્રો છોડને પાણી નહીં ભેજ જોઈએ આ આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે આથી આવી રીતે ૫૦% પાણીની બચત થાય છે. જે જીવાણુઓ જીવામૃતના રૂપમાં આપણે ખેતરમાં આપ્યા છે. તેને ખાવા માટે ગોળ અને કઠોળનો લોટ આપ્યો છે. હવે જમીનમાં આ જીવાણુઓ શું ખાશે? પ્રકૃતિની અદભુત વ્યવસ્થા છે. ખેતરમાં આ જીવાણુઓ પોતાનું ભોજન આચ્છાદનમાંથી બનાવે છે, અને તેને ખાઈને હ્યુમસનું નિર્માણ કરે છે.
ખેડૂતો માટે ખેતરના નિંદામણ બહુ મોટી સમસ્યા છે. તેનું નિયંત્રણ કરવા માટે ખૂબ જ મજૂરની જરૂર પડતી હોય છે જો તમે ખેતરને આચ્છાદનથી ઢાંકી દેશો તો ખેતી પાકમાં નિંદામણનું નિયંત્રણ થશે કારણકે નિંદામણના બીજને અંકુરિત થવા માટે સૂર્યપ્રકાશ મળશે નહીં. તેવી જ રીતે અળસિયાઓ ખેતરમાં ફક્ત રાત્રિના અંધારામાં જ કામ કરે છે કારણ કે દિવસમાં પક્ષીઓ તેનો શિકાર કરે છે, તેથી તે ડરીને ઉપર આવતા નથી જો ખેડૂત ખેતરમાં આચ્છાદન કરે તો આ અળસિયા આચ્છાદનથી થતા અંધારામાં દિવસ રાત કામ કરે છે. તે ખેડૂતની જમીનમાં ઓક્સિજનનું સંચરણ પણ કરે છે. ખાતર પણ તૈયાર કરે છે. અળસીયા દ્વારા બનાવવામાં આવેલ અનેક છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં નીચે ઉતરી જાય છે. તેથી જમીનનું ભૂગર્ભ જળસ્તર ઉપર આવે છે. તેનાથી જમીનમાં ભેજ બની રહે છે અને સતત ગરમીમાં પણ છોડ સુકાતા નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ